ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટી સિટીમાં દારુબંધીને હળવી કર્યા પછી ગુજરાત સરકારે ગુરુવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, રણોત્સવ સહિતના પ્રવાસન સ્થળો પર દારુબંધીને હળવી કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. સરકાર ટુરિઝમ માટે મહત્ત્વના બીજા સ્થળો પર પણ શરાબના નિયમોમાં રાહત આપે તેવી શક્યતા છે.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં બીજા સ્થળો પર દારુબંધી હળવી કરવા અંગે ગુજરાતી લોકોના હિત ધ્યાનમાં રાખવામાં આવશે. ગિફ્ટ સિટી પછી બીજા સ્થળો પર પણ દારુબંધીમાં રાહત મળી શકે છે કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે રાજ્યના લોકોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરાશે.
ગિફ્ટ સિટીમાં દારૂબંધી શા માટે હળવી કરવામાં આવી તે વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં જે લોકો કામ કરતા હશે તેમની જીવન શૈલીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હતો. ગિફ્ટ સિટીમાં ઘણા લોકો બહારના દેશોના હોય છે. આગામી દિવસોમાં શરાબ અંગે ક્યાં છૂટછાટ મળી શકે તે વિશે તેમણે સાપુતારા, ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામનો ઉલ્લેખ કર્યો છે.
રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું કે ધાર્મિક મહત્ત્વના ન હોય તેવા ટુરિસ્ટ સ્થળો પર દારુબંધી હળવી કરી શકાય છે. જે સ્થળો પર મોટી સંખ્યામાં ભારતીય અને વિદેશી ટુરિસ્ટ આવતા હોય તેવા સ્થળોને ગિફ્ટ સિટીની જેમ જ નિયમોમાં છૂટછાટ મળી શકે છે. ઉદાહરણ તરીકે કચ્છમાં દર વર્ષે યોજાતા રણોત્સવ, સુરતમાં નવા બંધાયેલા ડાયમંડ બુર્સ વગેરે સ્થળો પર દારૂબંધી હળવી કરી શકાય છે કારણ કે આ જગ્યાઓ ધાર્મિક મહત્ત્વની નથી, પરંતુ ત્યાં બહારના લોકો અને ટુરિસ્ટ મોટી સંખ્યામાં આવે છે.