માનવ તસ્કરીની આશંકાએ ગયા સપ્તાહે ફ્રાન્સમાં ડિટેઇન કરાયેલા વિમાનના મામલામાં 25 ભારતીય મુસાફરોને ફ્રાન્સમાં મુક્ત કરાયા હતા. આ મુસાફરીઓએ ફ્રાન્સમાં રાજકીય આશ્રયની માગણી કરી છે અને તેઓ ભારત પરત ફર્યા ન હતા. ફ્રાન્સના સત્તાવાળાએ ડિટેઇન કરાયેલા વિમાનને ફ્રાન્સ છોડવાની મંજૂરી આપ્યાં પછી આ વિમાન સોમવારે 276 મુસાફરો સાથે મુંબઈ પરત આવ્યું હતું.
આ વિમાન પેરિસના વેટ્રી એરપોર્ટથી સોમવારે ભારત પરત આવ્યું હતું. ફ્રાન્સના વર્તમાનપત્રના એક રીપોર્ટમાં જણાવાયું છે કે સ્થાનિક ન્યાયાધીશે 25 મુસાફરોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ફ્રાન્સના મુખ્ય ચાર્લ્સ ડી ગૌલે એરપોર્ટના બોર્ડર પોલીસના વડાએ કાયદા મુજબ નિર્ધારિત સમયગાળામાં ન્યાયાધીશ સમક્ષ કેસ ન મુકતા આ મુસાફરોને મુક્ત કરાયા હતા. ફ્રાન્સમાં આ મુસાફરોની વસવાટના સ્ટેટસ અંગે અનિશ્ચિતતા છે, પરંતુ તેઓ ફ્રાન્સમાં મુક્ત થશે.
આ 25 મુસાફરો ફ્રાન્સમાં રાજકીય આશ્રય માટે અરજી કરી હતી, તેઓને મંગળવારે મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમાંથી પાંચ સગીર હોવાને કારણે બાળ કલ્યાણ સર્વિસ તેમની સંભાળ રાખી રહી છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર મુસાફરો પોતાની સ્વતંત્ર ઇચ્છાથી વિમાનમાં ચડ્યા હતા તે સ્થાપિત થયા પછી ધરપકડ કરાયેલા બે લોકો સામે માનવ તસ્કરીનો આરોપ પડતો મુકવામાં આવ્યો હતો.