અમેરિકાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાની તત્વોએ શુક્રવારે હુમલો કરીને મંદિરની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખ્યાં હતા. ભારતે આ ઘટનાની તપાસની માગણી કરી હતી, જ્યારે અમેરિકાના પણ તેની ટીકા કરી હતી.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે આવા ‘ઉગ્રવાદીઓને’ કોઇ છૂટ ન આપવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પહેલાથી જ યુએસ સત્તાવાળાઓ સાથે આ મામલો ઉઠાવી ચૂક્યું છે અને તપાસ ચાલી રહી છે.
અમેરિકામાં કેલિફોર્નિયાના નેવાર્કમાં એક હિન્દુ મંદિરની દિવાલો પર ખાલિસ્તાની આતંકીઓએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખ્યાં હતાં. મંદિરની દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ધૃણાસ્પદ વાતો લખાઈ હતી. દિવાલ પર ખાલિસ્તાની આતંકી ભિંદરાનવાલેનું નામ પણ લખાયું હતું. મંદિર સંસ્થાને જણાવ્યું હતું કે પોલીસે આ ઘટનાને હેટ ક્રાઈમ તરીકે જોવી જોઈએ. નેવાર્ક પોલીસે પણ આ ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસનું આશ્વાસન આપ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાનીઓ હિન્દુ મંદિરોને ટાર્ગેટ બનાવી રહ્યા છે.
વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું કે, ભારતની બહાર કટ્ટરવાદી અને અલગતાવાદી તત્વોને ભારત વિરુદ્ધ કામ કરવા બદલ આશ્રય મળવો જોઈએ નહીં.