કોંગ્રેસ સહિતના વિપક્ષની ગેરહાજરી વચ્ચે લોકસભામાં ફોજદારી ન્યાય પ્રણાલીમાં ધરખમ સુધારા કરતાં ત્રણ મહત્ત્વના બિલોને મંજૂરી મળી હતી. આ બિલોમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષી બિલનો સમાવેશ થાય છે, જે IPC, CrPC અને પુરાવા ધારાનુ સ્થાન લેશે. ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ત્રણ સૂચિત કાયદા લોકોને ઝડપી ન્યાય આપવામાં મદદ કરશે અને “તારીખ પે તારીખ” ના થાય તે સુનિશ્ચિત કરશે.
ગૃહમાં ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બિલોમાં સજાને બદલે ઝડપી ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ત્રાસવાદની સ્પષ્ટ વ્યાખ્યા કરાઈ છે તથા રાજદ્રોહના ગુનાને નાબૂદ કરાયો છે. તેની જગ્યાએ રાજ્ય સામેના ગુનાઓના શીર્ષકવાળી નવી કલમ રજુ કાઈ છે.
લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને અન્ય વિરોધ પક્ષોના સભ્યો હાજર ન હતાં. આ બિલોની ઘણા વિરોધ પક્ષોએ ટીકા કરી હતી, પરંતુ ગૃહમાં માત્ર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી, બીજુ જનતા દળ અને બહુજન સમાજના સાંસદો હાજર હતાં.
અમિત શાહે જણાવ્યું હતું કે કેટલાંક લોકો માનવાધિકારના નામે ત્રાસવાદીઓનો બચાવ કરે છે. પરંતુ યાદ રાખો કે આ ન તો અંગ્રેજોનું શાસન છે કે ન તો કોંગ્રેસનું છે. આ મોદી શાસન છે. આતંકવાદીઓને બચાવવા માટે અહીં કોઈ દલીલો પર ધ્યાન અપાશે નહીં. મને ગર્વ છે કે 150 વર્ષ પછી આ ત્રણ કાયદા બદલાયા છે. કેટલાક લોકો છે કે અમે તેમને સમજી શકતા નથી. હું તેમને કહું છું કે તમે ભારતીય તરીકે તમારું મન રાખશો તો તમે સમજી શકશો. પરંતુ જો તમારું મન ઇટાલીનું છે, તો તમે ક્યારેય સમજી શકશો નહીં. નવા કાયદા આપણા બંધારણના મૂળ મૂલ્યોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યા છે.