નોર્થ ઇસ્ટ ઈંગ્લેન્ડમાં વૃદ્ધો માટેના કેર હોમમાં કેર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરવાનો સ્વાંગ રચીને તપાસ કરતા મૂળ કેરળના યુકે-સ્થિત પત્રકારે સ્ટાફનું શોષણ કરાતું હોવાનું તા. 18ની સાંજે પ્રસારિત થયેલા ‘બીબીસી પેનોરમા’ના ‘કેર વર્કર્સ અંડર પ્રેશર’ કાર્યક્રમમાં ઉજાગર કર્યું છે. કેર હોમમાં નોકરી કરતા ઘણાં લોકો ભારત સહિત વિદેશથી ભરતી થયા હતા.
આ કાર્યક્રમમાં જાણવા મળ્યું છે કે કેરર્સ પાસેથી ભારતીય રીક્રુટમેન્ટ એજન્સીઓ દ્વારા હજારો પાઉન્ડનો ચાર્જ વસૂલવામાં આવે છે અને નર્સોને નાણાકીય દંડના ક્લોઝ સાથે કેર હોમ દ્વારા લાંબા કોન્ટ્રાક્ટમાં બાંધવામાં આવે છે. જો તેઓ નોકરી છોડવાનો પ્રયાસ કરે તો તેમને મોટો દંડ ભરવો પડે છે.’’
બાલગોપાલે જણાવ્યું હતું કે, “જેમ જેમ હું વિદેશી કેરર્સના જીવનમાં ઊંડા ઉતરતો ગયો હતો તેમ, મેં શોષણ, દેવું, કુટુંબથી અલગ થવું અને ભૂલો કરવાના સતત ડરની વાર્તાઓ સાંભળી હતી. નર્સો અને કેરર્સને વિઝા માટે એમ્પ્લોયર દ્વારા સ્પોન્સર કરાય તે જરૂરી છે. સૈદ્ધાંતિક રીતે તેઓ નોકરી બદલી શકે છે પરંતુ એમ્પલોયર તેમનું શોષણ કરી શકે તેવી પકડ તેમની પાસે હોય છે.’’
ગયા વર્ષના સત્તાવાર આંકડાઓ અનુસાર, હેલ્થ કેર ઉદ્યોગમાં સ્ટાફની અછતને પહોંચી વળવા માટે વિદેશી કામદારોને યુકે આવવા માટે 140,000 વિઝા આપવામાં આવ્યા હતા અને તેમાંથી 39,000 ભારતમાંથી ઇસ્યુ થયા હતા.
માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ MACએ ગયા અઠવાડિયે જાહેર કરેલા તેના વાર્ષિક અહેવાલમાં દેશના સોસ્યલ કેર ક્ષેત્રમાં શોષણની ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘’અંડરફંડિંગ અને પરિણામે ઓછો પગાર સોસ્યલ કેર ક્ષેત્રમાં કામદારોના શોષણમાં ફાળો આપે છે. હેલ્થ એન્ડ કેર વર્કર (H&CW) વિઝા પરના ક્ષેત્રમાં દેશ છોડીને આવેલા લોકો શોષણ માટે વધુ સંવેદનશીલ હોય છે, કારણ કે યુકેમાં રહેવાના અધિકાર સાથે તેઓ સીધા જોડાયેલા હોય છે. તેમના એમ્પ્લોયર, પાવર તેને અસંતુલીત બનાવે છે.”
MAC એ સરકારને ઓછા પગારવાળા માઇગ્રન્ટ કામદારો પરની વધુ પડતી નિર્ભરતાથી છૂટકારો મેળવવા માટે સમગ્ર ક્ષેત્ર માટે ઉચ્ચ વેતનની ખાતરી કરવા માટે હાકલ કરી હતી.