પ્રસ્તુત તસવીરમાં ડાબેથી જમણે રેહાના અમીર, અશોક કુમાર વર્તિયા, સુધીર કુમાર શર્મા, રાકેશ કુમાર, લોકનાથ મિશ્રા, શારુખ ટી વાડિયા, મધુર કુમાર, અરબિંદ કુમાર ચૌધરી, મનીષ ગુપ્તા અને મુનસુર અલી નજરે પડે છે.

ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સિટી ઓફ લંડન કોર્પોરેશને 13 ડિસેમ્બરના રોજ શહેરમાં આવેલ ભારતીય બેંકોના આઠ વરિષ્ઠ અધિકારીઓને ‘ફ્રીડમ ઓફ સીટી એવોર્ડ’ એનાયત કરી સન્માનિત કર્યા હતા. આ એવોર્ડ યુકે અને ભારતના નાણાકીય સેવા ક્ષેત્રો વચ્ચેના નોંધપાત્ર વેપાર સંબંધોને માન્યતા આપે છે.

‘ફ્રીડમ ઓફ સીટી એવોર્ડ’ મેળવનાર અધિકારીઓમાં સુધીર કુમાર શર્મા (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા); મધુર કુમાર (બેંક ઓફ બરોડા); મનીષ ગુપ્તા (બેન્ક ઓફ ઈન્ડિયા); અશોક કુમાર વર્તિયા (એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા); શારુખ ટી વાડિયા (ઇન્ડસઇન્ડ બેંક); રાકેશ કુમાર (ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની); લોકનાથ મિશ્રા (ICICI બેંક) અને અને અરવિંદ કુમાર ચૌધરી (યુનિયન બેંક ઓફ ઈન્ડિયા)નો સમાવેશ થાય છે.

સીટી ઓફ લંડનના લોર્ડ મેયર માઈકલ મૈનેલીએ કહ્યું હતું કે “સિટીમાં ભારતીય બેંકર્સના આ સમૂહને નોમિનેટ કરતા મને ગૌરવ થાય છે. બ્રિટિશ અને ભારતીય રોકાણો ભારત અને યુકે બંનેમાં એક મિલિયનથી વધુ નોકરીઓને ટેકો આપે છે. સિટી સ્ક્વેર માઇલમાં ભારતીય બેંકર્સના અમૂલ્ય યોગદાન માટે લંડન આભારી છે.”

સિટી ઓફ લંડન કોર્પોરેશનના પોલિસી ચેરમેન ક્રિસ હેવર્ડે કહ્યું હતું કે “‘ફ્રીડમ ઓફ સીટી એવોર્ડ’ એનાયત કરી ગિલ્ડહોલ ખાતે સિટીના અગ્રણી ભારતીય બેન્કર્સનું સન્માન કરાયું તે જોઈને હું રોમાંચિત છું. હું આપણા બંને રાષ્ટ્રો વચ્ચે વધુ આકર્ષક ભાગીદારીની રાહ જોઈ રહ્યો છું.”

ફ્રીડમ એપ્લીકેશન પોલિસી એન્ડ રિસોર્સ સબ-કમિટીના અધ્યક્ષ રેહાના અમીરે કહ્યું હતું કે “ભારતીય બૅન્કરોને અપાયેલ પ્રતિષ્ઠિત ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન પુરસ્કાર લંડન સીટી અને ભારત વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાની સહિયારી પ્રતિબદ્ધતાનો સંકેત આપે છે.”

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા યુકેના સીઈઓ શ્રી સુધીર શર્મા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા યુકેના સીઈઓ શ્રી સુધીર શર્મા લંડનમાં પ્રાદેશિક વડા (યુકે ઓપરેશન્સ) તરીકે સેવા આપે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ફોર્ચ્યુન 500 કંપની છે અને તે વિશ્વની ટોચની 50 બેંકોમાં સામેલ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (યુકે) લિમિટેડની રચના એપ્રિલ 2018 માં કરવામાં આવી હતી. શ્રી શર્મા 1988માં એસબીઆઈમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે જોડાયા હતા. તેમની પાસે રિટેલ, મિડ કોર્પોરેટમાં ઇન્ટરનેશનલ બેન્કિંગ, પ્લાનિંગ અને સ્ટ્રેટેજી વગેરેનો 33 વર્ષથી વધુનો અનુભવ છે. લંડન ઓફિસમાં જોડાતા પહેલા, શ્રી શર્મા નવેમ્બર 2020 થી SBI (મોરેશિયસ) લિમિટેડના MD અને CEO હતા. શ્રી શર્માએ ઉત્તરપૂર્વમાં જનરલ મેનેજર (નેટવર્ક) અને ડેપ્યુટી જનરલ મેનેજર (બિઝનેસ) તરીકે કામ કર્યું છે. તેમણે 2008-2012 દરમિયાન SBI ન્યૂયોર્કમાં VP અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે પણ કામ કર્યું હતું. તેની રુચિમાં મુસાફરી અને રમતગમતનો સમાવેશ થાય છે.

બેન્ક ઓફ બરોડા યુકે લિમિટેડના મધુર કુમાર

બેન્ક ઓફ બરોડા યુકે લિમિટેડ અને બેન્ક ઓફ બરોડા, લંડન (હોલસેલ બેન્કિંગ)ના બિઝનેસ પર દેખરેખ રાખતા મધુર કુમારે કહ્યું હતું કે “હું પ્રતિષ્ઠિત ‘ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન’નો પુરસ્કાર મળવા બદલ અત્યંત ગૌરવ અનુભવું છું અને બેંક ઑફ બરોડા અને સિટી ઓફ લંડન વચ્ચેના લાંબા સમયથી ચાલતા અને સ્થાયી સંબંધોના પ્રતીક તરીકે આ એવોર્ડ નમ્રતા સાથે સ્વીકારું છું. વધુમાં મને તે જણાવતા ગર્વ થાય છે કે બેંક ઓફ બરોડાએ યુકેમાં તેની કામગીરીના 65 વર્ષ પૂર્ણ કર્યા છે તથા આ વર્ષોમાં કોર્પોરેટ, નાના અને મધ્યમ-વ્યવસાય થતા રિટેલ ગ્રાહકોને સેવા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે”.

આ અગાઉ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, દક્ષિણ આફ્રિકાના નેતા નેલ્સન મંડેલા અને માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને આ સન્માન મળ્યું હતું.

LEAVE A REPLY