અમેરિકાની કોંગ્રેસમાં ગત સપ્તાહે પ્રમુખ જો બાઇડેન સામે મહાભિયોગ (ઇમ્પીચમેન્ટ)ની તપાસની કાર્યવાહી કરવા અંગેના એક ઠરાવને 221 વિરૂદ્ધ 212 મત પડ્યા હતા. બાઇડેન અને તેમના પુત્ર સામે આંતરરાષ્ટ્રીય વ્યવહારો અંગે મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવાના ઠરાવને મંજૂરી આપી હતી. જો કે બાઇડેનની પાર્ટી ડેમોક્રેટસે આ પગલાને સંપૂર્ણપણે રાજકીય ગણાવ્યું હતું.
રિપબ્લિકનોની બહુમતીવાળા યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે પ્રમુખ જો બાઇડેન સામે મહાભિયોગની તપાસને ઔપચારિક ઠરાવને મંજૂરી આપી હતી. ગૃહમાં પ્રમુખ બાઇડેન વિરુદ્ધ મહાભિયોગ તપાસની તરફેણમાં 221 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 212 વોટ પડ્યા હતા.
જો કે પ્રમુખ જો બાયેડને તેમની વિરુદ્ધ મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવા માટે ગૃહના મતને ‘પાયા વિનાનો રાજકીય સ્ટંટ’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમેરિકનોના જીવનને સુધારવામાં મદદ કરવાને બદલે, તેઓ મારા પર જુઠ્ઠાણાથી હુમલો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
પ્રમુખ જો બાઇડેનના પુત્ર હન્ટર પર યુક્રેન અને ચીનમાં તેમના વ્યવસાયિક વ્યવહારમાં કુટુંબના નામ પર અસરકારક રીતે વેપાર કરવાનો આરોપ છે અને તેના પર 1.4 મિલિયન ડોલરની કરચોરીનો આરોપ છે, જ્યારે હન્ટર વૈભવી જીવનશૈલી જીવવા માટે લાખો ડોલરનો ખર્ચ કરી રહ્યો છે.