યુકે સરકાર દ્વારા ગ્રેજ્યુએટ રૂટ વિઝાની સમીક્ષા કરવાનો નિર્ણય લેવાયો છે. આ વિઝાથી વિદેશી વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ પછી બે વર્ષ કામ કરવાના વિકલ્પની મંજૂરી મળે છે. માઇગ્રેશન અંગેના તાજેતરના એક નવા સ્વતંત્ર રીપોર્ટમાં એવો સંકેત અપાયો હતો કે, આ સમીક્ષામાં ભારતીય વિદ્યાર્થીઓની અસર વિશે એવું વિશ્લેષણ કરાશે કે, તેઓ ઉચ્ચ કૌશલ્યયુક્ત પ્રતિભા જાળવી રાખીને બ્રિટનના શ્રેષ્ઠ હિતમાં કાર્ય કરી રહ્યા છે ખરા.

યુકે સરકારને તેની વિઝા નીતિઓ અંગે સલાહ આપનાર માઇગ્રેશન એડવાઇઝરી કમિટી (MAC)એ જણાવ્યું હતું કે, હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ ગત સપ્તાહે સંસદમાં કરેલી જાહેરાતના અનુસંધાનમાં હોમ ઓફિસ કમિશનની ઔપચારિક સમીક્ષાની રાહ જોઈ રહ્યું છે કે, ગ્રેજ્યુએટ રૂટ યુકેના ઉચ્ચ શિક્ષણની પ્રામાણિકતા અને ગુણવત્તાનું રક્ષણ કરશે અને દુરુપયોગ અટકાવશે.”

જુલાઇ 2021માં ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે તેનો અમલ કર્યા પછી ગ્રેજ્યુએટ રૂટમાં મંજૂર કરાયેલા 176,000 વિઝામાંથી 42 ટકા વિદ્યાર્થીઓ ભારતીય છે. તેનો અર્થ એવો થાય કે આ કેટેગરીમાં કોઈપણ ફેરફારની અસર ભારતીયો ઉપર નોંધપાત્ર થશે. કમિટીના ચેરમેન પ્રોફેસર બ્રાયન બેલે મીડિયાને જણાવ્યું હતું કે, “આ અંગે હોમ ઓફિસ અમને શું કહેશે તેની હું બહુ વિસ્તૃત કલ્પના કરવા ઇચ્છતો નથી પરંતુ આ મુદ્દે અનેક વિકલ્પો છે.”

બેલે વધુમાં જણાવ્યું હતું કે, “ગ્રેજ્યુએટ રૂટ અંતર્ગત આ સમયે, અનિવાર્યપણે, તમે શું કરી શકો તેના પર કોઈ પ્રતિબંધ નથી. તમારી પાસે નાણા હોય, તો તમે ફક્ત બે વર્ષ સુધી યુકેમાં રહી શકો છો અને કંઈ નહીં કરો તો પણ વાંધો નહીં.
વિદેશી વિદ્યાર્થીઓના વિવિધ ગ્રુપે અગાઉ વિઝા કેટેગરીમાં આ પ્રકારની વ્યાપક સમીક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે યુકેને એક મહત્ત્વપૂર્ણ દેશ માને છે.

તાજેતરમાં પાર્લામેન્ટ કોમ્પ્લેક્સમાં ઇન્ડિયા યુકે એચિવર્સ ઓનર્સ 2024ના પ્રારંભ પ્રસંગે યુકેના ભૂતપૂર્વ યુનિવર્સિટીઝ પ્રધાન જો જોન્સને જણાવ્યું હતું કે, હું માનું છું કે, એ બાબત ખૂબ જ મહત્ત્વની છે કે, ગ્રેજ્યુએટ રૂટની સમીક્ષામાં યુકેમાં અભ્યાસ પછી કામ કરવામાં તેમની ભૂમિકા પર સવાલ ઊભા કરવાને બદલે આ વિઝાના કોઇપણ દુરુપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

LEAVE A REPLY