આણંદ જિલ્લાના ખંભાત વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે મંગળવારે ગુજરાત વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું. તેનાથી રાજ્યની વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની કુલ સંખ્યા હવે 17થી ઘટી 16 થઈ ગઈ છે.
ચિરાગ પટેલ મંગળવારે સ્પીકર ચૌધરીને તેમની સત્તાવાર ચેમ્બરમાં મળ્યા હતા, તેમની સાથે ભાજપ ગુજરાતના ઉપ-પ્રમુખ ભરત બોઘરા પણ હતાં. તેથી એવી અટકળોને વેગ આપ્યો હતો કે ચિરાગ પટેલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. પટેલે તેમના રાજીનામાની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો.
ચિરાગ પટેલ અગાઉ ભાજપમાં હતા અને યુવા મોરચાના સક્રિય સભ્ય હતા, જોકે ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણી તેમને ટિકિટ આપી ન હતી અને તેથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને વિજયી બન્યાં હતા.
તેમણે ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં ડિસેમ્બર 2022ની ચૂંટણીમાં 3,711 બેઠકોના માર્જિનથી જીત મેળવી હતી, જે 1990 પછી આ બેઠક પર કોંગ્રેસની પ્રથમ જીત હતી. પટેલે ભાજપના વર્તમાન ધારાસભ્ય મહેશ રાવલને હરાવ્યા હતા
આ રાજકીય હિલચાલ વચ્ચે અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાની અટકળો ચાલુ થઈ હતી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ફટકા પડી રહ્યાં છે. હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની ભૂપત ભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટલે ભાજપમાં જોડાશે. લોકસભા સત્ર બાદ વિધિવત રીતે બંને ભાજપમાં પ્રવેશ કરશે. તો વધુ એક એવી ચર્ચા થઈ રહી છે કે, આવતીકાલે આપના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી આપનો સાથ છોડી શકે છે. તેઓ પણ ટુંક જ સમયમાં રાજીનામું આપશે તેવી શક્યતાઓ છે.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ચિરાગ પટેલે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ પર કેટલાક આક્ષેપ કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક સાથી ગૂંગળામણ અનુભવે છે. કોંગ્રેસના નેતા એસી ચેમ્બરમાંથી બહાર નથી આવતા. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ દિલ્હીથી ઓપરેટ થાય છે. કોંગ્રેસ વર્ષો પહેલા હિરો હતી, આજે ઝીરો છે.