સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુસ્લિમ પક્ષની મૌખિક અરજી પર મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી શાહી ઇદગાહના સરવેની મંજૂરી આપતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે અપીલ મારફત હાઇકોર્ટના આદેશને પડકારવા માટે મુસ્લિમ પક્ષને જણાવ્યું હતું.
ગુરુવારે હાઈકોર્ટે શાહી ઈદગાહના કોર્ટ દેખરેખ હેઠળના સરવેની મંજૂરી આપી હતી અને મસ્જિદ પરિસરના સરવેની દેખરેખ માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવા સહમત થઈ હતી.
સર્વોચ્ચ અદાલતે 26મેના અલ્હાબાદ હાઇકોર્ટના આદેશને પડકારતી શાહી મસ્જિદ ઇદગાહ મેનેજમેન્ટ ટ્રસ્ટ સમિતિની અરજી અંગેની સુનાવણી 9 જાન્યુઆરીએ નિર્ધારિત કરી હતી. હાઇકોર્ટે 26મેના આદેશમાં મથુરા કોર્ટ સમક્ષ પેન્ડિંગ તમામ અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સ્પેશ્યલ લીવ પિટિશનની સુનાવણી 9 જાન્યુઆરીએ થશે. આ તારીખે તમામ વિવાદો અને મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવશે. જો અરજદારને કોઇ ફરિયાદ હોય તો તે કાયદા મુજબ પડકારી શકે છે.
મસ્જિદ સમિતિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીને જણાવ્યું હતું કે હાઈકોર્ટ આ મામલે દૂરગામી અસર ધરાવતી ઇન્ટરલોક્યુટરી અરજીઓ પર સુનાવણી કરી રહી છે અને આદેશો આપી રહી છે. બીજી તરફ આ વિવાદ સંબંધિત તમામ અરજીઓને ટ્રાન્સફર કરવાના હાઇકોર્ટના આદેશને પડકારવામાં આવેલો છે.
જોકે ગુરુવારે હાઇકોર્ટે આપેલા આદેશમાં દરમિયાનગીરી કરવાનો ઇનકાર કરતાં જસ્ટિસ ખન્નાએ જણાવ્યું હતું કે જે ઓર્ડર અમારી સામે નથી તેની સામે અમે કેવી રીતે રોક લગાવી શકીએ? તમે ઓર્ડરને પડકારો, પછી અમે જોઈશું.