વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વિશ્વની સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ગણાતા ‘સુરત ડાયમંડ બોર્સ’નું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાને સુરત એરપોર્ટના નવા અપગ્રેડેડ ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. સુરતમાં ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે બનશે. બુર્સની સ્થાપના પાછળનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતમાંથી હીરા, રત્નો અને જ્વેલરીની આયાત, નિકાસ અને વેપારને સરળ બનાવવાનો છે.
સુરત ડાયમંડ બુર્સ (SDB) બિલ્ડીંગ, 67 લાખ ચોરસ ફૂટ ફ્લોર એરિયા સાથે વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે. તે સુરત શહેર નજીકના ખાજોદ ગામમાં આવેલું છે.
સુરત ડાયમંડ બુર્સ ₹3400 કરોડના ખર્ચે 35.54 એકર જમીન પર બાંધવામાં આવ્યું છે. તે રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું વૈશ્વિક કેન્દ્ર બનવાની તૈયારીમાં છે. તે વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ ઇમારત છે, અને 4,500થી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો ધરાવે છે. ઓફિસ બિલ્ડિંગ પેન્ટાગોન કરતાં પણ મોટી છે અને દેશનું સૌથી મોટું કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ છે.
સુરત ડાયમંડ બુર્સમાં 175 દેશોના 4,200 વેપારીઓને રાખવાની ક્ષમતા છે જે પોલિશ્ડ હીરા ખરીદવા સુરત આવશે. વેપારની સુવિધાથી આશરે 1.5 લાખ લોકોને રોજગારી મળશે, કારણ કે વિશ્વના ખૂણે ખૂણેથી હીરા ખરીદનારાઓને સુરત ખાતે વેપાર કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ મળશે.
માત્ર સુરત જ નહીં દેશ માટે ગૌરવ સમાન પ્રોજેક્ટ છે. અત્યાર સુધી સુરતમાં તૈયાર થતાં હીરાને વેચાણ માટે મુંબઈ હીરાબુર્સમાં મોકલવા પડતાં હતાં. હવે આ તૈયાર હીરા ખરીદ-વેચાણની પ્રક્રિયા સુરતમાં જ આ ડાયમંડ બુર્સમાં થશે. 15 માળનું એક એવા 9 ટાવર અહીં બન્યા છે. આલિશાન અને ઇજનેરી અજાયબી સમાન આ સુરત ડાયમંડ બુર્સમાં 67 લાખ ચોરસફૂટ જેટલું બાંધકામ હોઈ વિશ્વના સૌથી મોટા પેન્ટાગોનથી પણ મોટું કમર્શિયલ કોમ્પલેક્સ ગણાવાય છે.
હાલમાં બુર્સમાં 450 વેપારીઓએ પોતોપોતાની ઓફિસમાં ફર્નિચરની કામગીરી કરાવી ચૂક્યા છે. દિવાળી બાદ લાભપાંચમના દિવસથી 138 જેટલાં સુરત-મુંબઈના હીરાવાળાએ બુર્સમાં ઓફિસ શરૂ પણ કરી દીધી છે.