આંતરારાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેના યુએસ કમિશન (USCIRF)ને અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા ધારા હેઠળ ભારતને “વિશેષ ચિંતાનો દેશ” નિયુક્ત કરવાની ભલામણ કરતાં જણાવ્યું છે કે વિદેશમાં સામાજિક કાર્યકરો, પત્રકારો અને વકીલોને ચૂપ કરવાના ભારત સરકારના તાજેતરના પ્રયાસો ધાર્મિક સ્વતંત્રતા માટે ગંભીર ખતરો ઊભો કરે છે. USCIRF અમેરિકાનું એક સ્વતંત્ર કમિશન છે. તેની ભલામણ સરકાર માટે બાધ્ય નથી.
એક નિવેદનમાં આ કમિશને જણાવ્યું હતું કે USCIRF અમેરિકાના વિદેશ મંત્રાલયને વિનંતી કરે છે કે ભારત ધાર્મિક અથવા આસ્થાની સ્વતંત્રતાનો આયોજનબદ્ધ રીતે સતત ગંભીર ઉલ્લંઘન કરે છે, તેથી તેને ખાસ ચિંતાનો દેશ જાહેર કરવામાં આવે. USCIRFના કમિશનર સ્ટીફન સ્નેકે કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણી અને અમેરિકામાં ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કાવતરાને ખૂબ જ પરેશાનીજનક ગણાવ્યું હતું.
કમિશને જણાવ્યું હતું કે તેને 2020થી દર વર્ષે ભલામણ કરી હતી કે અમેરિકાનું વિદેશ મંત્રાલયે 1998ના યુએસ ધાર્મિક સ્વતંત્રતા ધારા હેઠળ ભારતને ખાસ ચિંતાના દેશનું લેબલ મારે. કમિશનર ડેવિડ કરીએ જણાવ્યું હતું કે ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવવા માટે ભારતનું ઘરેલું દમન હવે વિદેશમાં પણ વિસ્તૃત બન્યું છે, જે ખાસ કરીને ખતરનાક છે અને તેને અવગણી શકાય નહીં.
અગાઉ ગુરપતવંત સિંહ પન્નુનના મામલામાં ભારતે જણાવ્યું હતું કે અમેરિકાએ તાજેતરની ચર્ચાઓ દરમિયાન સંગઠિત ગુનેગારો, બંદૂક ચલાવનારાઓ અને આતંકવાદીઓ વચ્ચેના જોડાણ અંગેના ઇનપુટ્સ શેર કર્યા હતા. સંબંધિત વિભાગો તેમની તપાસ કરી રહ્યા છે. યુએસએ કહ્યું હતું કે આ મુદ્દો “ઉચ્ચ સ્તરે” ઉઠાવવામાં આવ્યો છે અને બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોના સ્તરે ચર્ચા કરવામાં આવી છે.