(Photo BY TRINGER/AFP via Getty Images)

‘ઇકબાલ’, ‘ગોલમાલ’ ફ્રેન્ચાઇઝી, ‘ઓમ શાંતિ ઓમ’ અને અન્ય ફિલ્મોમાં જાણીતા 47 વર્ષીય શ્રેયસ તલપડેને ગુરુવાર, 14 ડિસેમ્બરની સાંજે હાર્ટએટેક આવ્યો હતો. મુંબઈમાં આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ કરી રહેલા અભિનેતાને મુંબઈ અંધેરી વેસ્ટની બેલે વ્યુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અહેવાલ મુજબ તેમની એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી અને હવે તે સ્થિર સ્થિતિમાં છે. ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેનને પણ આ વર્ષે માર્ચની શરૂઆતમાં હાર્ટ એટેક આવ્યો હતો અને તેને એન્જિયોપ્લાસ્ટીની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. આ ઘટનામાંથી સ્વસ્થ થઈ ગયેલી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને તેના હાર્ટ એટેકની માહિતી આપી હતી.

શ્રેયસ માટે અભિનેતા અથવા તેની ટીમ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે, એક સ્ત્રોતે પુષ્ટિ આપી છે કે તે હવે ઠીક છે.

ગુરુવારે શ્રેયસે આખો દિવસ ‘વેલકમ ટુ જંગલ’નું શૂટિંગ કર્યું હતું અને નાનકડી એક્શન સીકવન્સ પણ તેમાં સામેલ હતી. ફિલ્મના યુનિટ મેમ્બર્સનું કહેવું છે કે, શ્રેયસ તલપડે સ્વસ્થ દેખાતો હતો અને સેટ પર સૌની સાથે મજાક-મસ્તી કરી રહ્યો હતો. જોકે, ઘરે પહોંચ્યા પછી તેણે પોતાની પત્ની દીપ્તિને જણાવ્યું કે, તેને બેચેની થઈ રહી છે. જે બાદ તે બેભાન થઈ જતાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો.

શ્રેયસ તલપડેનો જન્મ 27 જાન્યુઆરી 1976એ થયો છે. શ્રેયસે 40 જેટલી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. અપના સપના મની મની, ઓમ શાંતિ ઓમ, વેલકમ ટુ સજ્જનપુર, ગોલમાલ રિટર્ન્સ વગેરે શ્રેયસની જાણીતી હિન્દી ફિલ્મો છે.

 

LEAVE A REPLY