નવી દિલ્હીમાં સંસદની સુરક્ષામાં બુધવાર, 13 ડિસેમ્બરે મોટી ચૂક થઈ હતી. સંસદની કાર્યવાહી ચાલતી હતી ત્યારે બે વ્યક્તિઓ વિઝિટર્સ ગેલરીમાંથી કુદ્યા હતાં અને લોકસભા ચેમ્બરમાં દોડ્યાં હતા. તેમના પાસે પીળો ધૂમાડો છોડતા કેનિસ્ટર્સ હતાં. આ ઘટનાને પગલે લોકસભામાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બંને ઝડપાઈ ગયા હતાં. તેમણે સંસદમાં ડબ્બો ફેંકીને પીળો ધુમાડો છોડ્યો હતો. સંસદ પર ત્રાસવાદી હુમલાની 22મી વરસીના દિવસે આ ઘટના બનતાં ચકચાર ફેલાઈ હતી.
ગૃહના સીસીટીવી સિસ્ટમના ચોંકાવનારા ફૂટેજમાં દેખાય છે કે ઘેરા વાદળી રંગનો શર્ટ પહેરેલો એક વ્યક્તિ ઝડપાઈ જવાથી બચવા માટે ડેસ્ક પર કૂદી રહ્યો હતો, જ્યારે બીજો વિઝિટર ગેલેરીમાં ધુમાડો છોડી રહ્યો હતો. બંને જણાને સાંસદો અને સુરક્ષા કર્મચારીઓએ ઝડપી લીધા હતા.
બીજી તરફ સંસદની બહાર દેખાવો કરી રહેલા અન્ય બે વ્યક્તિઓ એક પુરુષ અને એક મહિલાને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમની પાસે પણ કેનિસ્ટર્સ હતા અને તેઓ લાલ અને પીળો ધુમાડો ફેલાવતા હતા. આ બંને ઘટના એકસાથે ઘટતા સંસદની સુરક્ષા સામે સવાલ ઊભા થયા હતા.
આ ઘટના અંગે ટુંકું નિવેદન આપતા લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે “અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ અને દિલ્હી પોલીસને તપાસમાં જોડાવા કહ્યું છે. બંને પકડાઈ ગયા છે અને તેમની સાથેની સામગ્રી પણ જપ્ત કરાઈ છે. સંસદની બહાર પણ બે લોકોની પણ ધરપકડ કરાઈ છે.તેમની ઓળખ સાગર શર્મા અને ડી મનોરંજન તરીકે થઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાગર શર્મા લખનૌનો વતની છે. સંસદની બહાર અટકાયત કરાયેલ બેની ઓળખ 42 વર્ષીય મહિલા નીલમ દેવી અને અમોલ શિંદે તરીકે થઈ હતી. ડી મનોરંજન મૈસુરના વતની છે અને શહેરની કોલેજમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે. નીલમ દેવી હરિયાણાના હિસારની છે અને સિવિલ સર્વિસની પ્રવેશ પરીક્ષાનો અભ્યાસ કરતી હતી. નીલમના ભાઈના જણાવ્યા મુજબ, તે નરેન્દ્ર મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ 2020ના ખેડૂતોના આંદોલનમાં સક્રિયપણે સામેલ હતી, પરંતુ તે કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલી નથી.