યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝે (USCIS) ઇમિગ્રેશનની વિવિધ કામગારી માટે ફીમાં જંગી વધારો કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. કોરોના મહામારીના કારણે દેશમાં આવકના પડકારો ઊભા થતાં USCIS દ્વારા જુદી-જુદી ફીની સમીક્ષા કરવી જરૂરી હોવાનું જણાવાયું હતું અને તે માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો હતો.
આ પ્રસ્તાવમાં અનેક પ્રકારની ફીનો સમાવેશ કરાયો છે. તેમાં એચ-વન બી વિઝા અને ગ્રીન કાર્ડ અરજીનો સમાવેશ થાય છે, બે મહિનાના સમયગાળા દરમિયાન 6000થી વધુ વ્યક્તિઓ અને સંગઠનોએ આ દરખાસ્તોના પ્રતિભાવમાં તેની ઉગ્ર ટીકા કરી હતી.
આ પ્રસ્તાવિત ફીના નિયમો અંગે ડીસેમ્બર અથવા તો આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવાય તેવી અપેક્ષા છે. આ ફી વધારાનો હેતુ એજન્સી સંચાલનનું સંપૂર્ણ ખર્ચ આવરી લેવાનો છે. વિવિધ વિઝાની ફીના દર છેલ્લે 2016માં વધારાયા હતા. ખાસ, તો એચ-1બીની ઇ-રજિસ્ટ્રેશન ફીમાં 2050 ટકાનો સીધો વધારો થવાની સંભાવના છે, જે 10 ડોલરથી વધીને 215 ડોલર થઇ શકે છે. એચ-વનબી વિઝા એપ્લિકેશન ફી પણ 460 ડોલરથી વધારીને 780 ડોલર કરવાનો પ્રસ્તાવ છે, જે 70 ટકાનો વધારો સૂચવે છે. USCIS એ આ વધારો યોગ્ય ઠરાવ્યો હતો.
નાગરિકતા (નેચરલાઇઝેશન) માટેની અરજીની ફી 19 ટકા વધારીને 640 ડોલરથી 760 ડોલર કરવાની દરખાસ્ત છે. રોકાણ સંબંધિત ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાં ભાગ લેનારા ઇબી-5 રોકાણકારો માટે સૌથી મોટો વધારો કરવાનો પ્રસ્તાવ છે. શરૂઆતમાં I-526 અરજીઓમાં 204 ટકા વધીને 11,160 ડોલર શકે છે, જ્યારે કાયમી નિવાસી માટેના દરજ્જાની શરતોને હટાવવા માટે આઇ-829 અરજીઓમાં 148 ટકાની વૃદ્ધિ સાથે 9,525 ડોલરનો વધારો થઇ શકે છે.