(Photo by STR/AFP via Getty Images)
સલમાન ખાન અને કરણ જોહરે 25 વર્ષ અગાઉ સાથે એક ફિલ્મ કરી હતી. ત્યારથી તેમની વચ્ચે ઘણીવાર એકબીજા સાથે ફિલ્મ કરવાની ચર્ચાઓ થતી રહેતી હતી. પરંતુ આજ દિન સુધી કોઈ ફિલ્મ આવી નથી. હવે આખરે સલમાન ખાન અને કરણ જોહરે સાથે ફિલ્મ કરવાનું નક્કી કર્યું છે.
સલમાને આ વાતની પુષ્ટિ કરી છે અને ફિલ્મનું નામ પણ જાહેર કર્યું છે. અગાઉ એવું કહેવાતું હતું કે, સલમાને વિષ્ણુ વર્ધન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સાઈન કરી છે, જેનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા થશે. હવે અભિનેતાએ ફિલ્મનું નામ જાહેર કર્યું છે. સલમાન ખાને મીડિયાને જણાવ્યું હતું કે, “હું ધ બુલ નામની ફિલ્મ કરી રહ્યો છું. પછી દબંગ આવશે, કિક આવશે, સૂરજની ફિલ્મ આવશે, 3-4 ફિલ્મો આવી રહી છે. એવું માનવામાં આવે છે કે ‘ધ બુલ’ વિષ્ણુ વર્ધનની દિગ્દર્શિત ફિલ્મ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1998માં આવેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ બાદ સલમાન ખાન અને કરણ જોહરનું પુનઃમિલન થશે. સૂત્રો કહે છે કે, સલમાન ખાન ફિલ્મ ધ બુલમાં અર્ધલશ્કરી અધિકારીની ભૂમિકા ભજવશે જે એક એક્શનથી ભરપૂર મિશન પર જશે. “ટાઈગર 3 પછી, આ સલમાનની નવી ફિલ્મ હશે. આ ફિલ્મ ગત મહિનાથી ફ્લોર પર ગઇ છે અને 7-8 મહિનામાં શૂટિંગ કરવામાં આવશે.
સલમાન ખાનની ટાઈગર-3 ફિલ્મે સ્થાનિક બજારમાં 250 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે વિશ્વભરમાં 400 કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી લીધો છે. ટાઇગર 3 માં સલમાન ખાન, કેટરિના કૈફ, રેવતી, ઇમરાન હાશ્મી સહિત ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. શાહરૂખ ખાન અને રિતિક રોશને પણ ફિલ્મમાં કેમિયો કર્યો છે.

LEAVE A REPLY