બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનની નવી ‘ડંકી’ની રિલીઝની તૈયારીઓ ચાલી છે. શાહરુખ ખાન વિવિધ કારનો ચાહક પણ છે. તેના કારના કાફલામાં હુંડાઈની ભારતમાંની સૌથી મોંઘી EV કારનો વધારો થયો છે. તેણે તાજેતરમાં હુંડાઈની ‘Ioniq 5 EV’ કાર ખરીદી હતી. શાહરૂખ કોરિયાની હુંડાઈ મોટર્સ કંપની સાથે 25 વર્ષથી જોડાયેલો રહ્યો છે. તેની પાસે આ કંપનીની અનેક કાર છે.
‘Ioniq 5 EV’ની કિંમત રૂ. 45 લાખ 95 હજાર છે. શાહરૂખ પાસે જેટલી કાર છે એમાં આ પ્રથમ ઈલેક્ટ્રિક વેહિકલ (EV) કાર છે. તેની પાસે ભારતની સૌથી મોંઘી કાર ‘રોલ્સ-રોયસ કલિનન બ્લેક બેજ’ છે, જેની કિંમત રૂ. સાત કરોડ રૂપિયા છે.
આ ઉપરાંત તેના કારના કાફલામાં રૂ. 3 કરોડથી વધુ કિંમતની બેન્ટલે કોન્ટિનેન્ટલ GT કાર, ઓડી A6 (રૂ. 65 લાખ), BMW i8 (રૂ. 2.6 કરોડ), મિત્સુબિશી પજેરો (રૂ. 30 લાખ), બીએમડબલ્યૂ 6-સીરિઝ (રૂ.1.30 કરોડ) જેવી કાર પણ છે. શાહરૂખને વેચેલી કાર હુંડાઈએ ભારતમાં વર્તમાન વર્ષમાં વેચેલી આ 1,100મી ‘Ioniq 5 EV’ કાર છે. આ વર્ષના જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યોજાઈ ગયેલા ઓટો-એક્સ્પો-2023માં શાહરૂખે જ આ કારનું અનાવરણ કર્યું હતું. આ કાર સિંગલ ચાર્જમાં આશરે 631 કિ.મી.નું અંતર કવર કરે છે.