પ્રતિકાત્મક તસવીર (istockphoto)
  • ટી-20માં પ્રાયોગિક ધોરણે નિયમના અમલનો આરંભ, છ મહિના પછી આખરી નિર્ણય લેવાશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બુધવારથી એક નવા નિયમનો પ્રાયોગિક ધોરણે અમલ શરૂ થઈ ગયો છે. તેમાં ખાસ કરીને ફિલ્ડિંગ કરતી ટીમને સમય વેડફતી અટકાવવા વધુ આકરી જોગવાઈ છે. આ નિયમ હાલમાં ફક્ત ટી-20માં અમલી બનાવાયો છે, છ મહિના પછી તેની અસરો અને અસરકારકતાના આધારે તે ટી-20 અને વન-ડેમાં કાયમી બની શકે છે, જો કે, ટેસ્ટ ક્રિકેટમાં તે અમલમાં નહીં આવે.

“સ્ટોપ ક્લોક” તરીકે ઓળખાતા આ નિયમ હેઠળ ઓવર પુરી થાય કે તુરત જ સ્ટોપ ક્લોક સ્વરૂપે ટાઈમર કાર્યરત કરાશે અને તે મેદાન ઉપરની વિશાળ સ્ક્રીન ઉપર પણ દર્શાવાશે. ફિલ્ડિંગ કરતી ટીમે 60 સેકન્ડ અર્થાત એક મિનિટ પુરી થાય ત્યાં સુધીમાં નવી ઓવર શરૂ કરી દેવી પડશે. ફિલ્ડિંગ ટીમ આ રીતે બે વખત વિલંબ કરે ત્યાં સુધી કોઈ દંડ નહીં થાય પણ બીજા વિલંબે તેને ચેતવણી મળી જશે. તે ત્રીજીવાર વિલંબ માટે કસુરવાર ઠરશે તો તેને પાંચ રનની પેનાલ્ટી લાગશે, એ રન બેટિંગ કરતી ટીમના સ્કોરમાં ઉમેરાશે.

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શરુ થયેલી ટી-20 સિરીઝમાં પ્રથમ વખત આ નિયમ લાગુ કરાયો છે.

આગામી 6 મહિના સુધીના પ્રાયોગિક અમલમાં આ નિયમથી રમત પર પ્રતિકૂળ અસર નહીં થાય અને ફાયદો જણાશે તો તેનો ટી-20 અને વન-ડે ઈન્ટરનેશનલ્સમાં કાયમી ધોરણે અમલમાં આવશે. આ સ્ટોપ ક્લોકની કામગીરીની જવાબદારી થર્ડ અમ્પાયરની રહેશે.

આ નિયમ હેઠળ બેટિંગ કરતી ટીમ સમય વેડફતી હોવાનું જણાય તો એ ટીમ ફિલ્ડીંગમાં આવે ત્યારે તે ટીમે બેટિંગ કરતી વખતે વેડફેલો સમય તેના માટેના બે ઓવર વચ્ચેના સમયમાંથી બાદ કરી નખાશે. એનો અર્થ એવો થાય કે બેટિંગ વખતે સમય વેડફવા માટે કસૂરવાર ઠરેલી ટીમ પોતે ફિલ્ડિંગમાં આવે ત્યારે તેણે વેડફેલો સમય તેના માટે બે ઓવર વચ્ચે મળતા 60 સેકન્ડના ગાળામાંથી કાપી લેવાશે.

ફિલ્ડિંગ કરતી ટીમના કાબુમાં હોય નહીં તેવા સંજોગોમાં બીજી ઓવર શરૂ કરવામાં થયેલા વિલંબ બદલ તેને કોઈ દંડ નહીં થાય. સંજોગો વિષેનો નિર્ણય મેદાન ઉપરના બે અમ્પાયર્સના હાથમાં રહેશે.

LEAVE A REPLY