કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના કેલડન શહેરમાં 20 નવેમ્બરે શીખ પરિવાર પર થયેલા અંધાધૂંધ ગોળીબારના કેસમાં નવો ખુલાસો થયો છે. કેનેડાની પોલીસ માને છે કે આ એક ટાર્ગેટેડ હુમલો હતા, પરંતુ ખોટી ઓળખને કારણે આ હત્યા થઈ હતી. આ હુમલામાં ભારતના બે નાગરિકોના મોત થયા હતાં અને એકને ગંભીર ઇજા થઈ હતી.
20 નવેમ્બરે ઓન્ટેરિયો પ્રાંતના કેલડન શહેરમાં ભાડાના મકાનમાં રહેતા પરિવાર પર આ હુમલો થયો હતો. તે સમયે 57 વર્ષીય જગતાર સિંહનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે તેમની 55 વર્ષીય પત્ની હરભજન કૌરને નજીકના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવી હતી. બે અઠવાડિયા પછી ઇજાઓને કારણે તેમનું મૃત્યુ થયું હતું. તેમની પુત્રી, જેની ઓળખ જાહેર કરાઈ નથી, તે હજુ પણ ગંભીર હાલતમાં અને તેની સારવાર ચાલી રહી છે.
હુમલાખોરોએ 30થી રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જોકે પોલીસ માને છે કે આ હુમલો ટાર્ગેટેડ હતો, પરંતુ તે ખોટી ઓળખનો કેસ પણ હતો. ગોળીબારમાં મૃત્યુ પામેલા દંપતી ભારતમાંથી કેનેડાની મુલાકાતે આવ્યું હતું અને તેમના બે બાળકો સાથે રહેતા હતાં. બંને બાળકો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. આ ઘટના બની ત્યારે તેમનો પુત્ર ઘરે ન હતો.