વેસ્ટ ઈન્ડિઝે પ્રવાસી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને રવિવારે (10 ડીસેમ્બર) બાર્બાડોઝમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં વરસાદના વિક્ષેપ પછી છ વિકેટે હરાવી મેચ અને સીરીઝમાં વિજય હાંસલ કર્યો હતો. ત્રણ મેચની આ સીરીઝમાં વેસ્ટ ઈન્ડિઝનો 2-1થી વિજય થયો હતો.
વરસાદના વિધ્નના પગલે મેચ પહેલા ટુંકાવીને 40 ઓવરની કરાઈ હતી, તેમાં ઈંગ્લેન્ડે 9 વિકેટે 206 રન કર્યા હતા. ટીમની શરૂઆત સારી નહોતી અને એક તબક્કે તો ઈંગ્લેન્ડે ફક્ત 49 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. મેથ્યુ ફોર્ડે મેચની અને પોતાની પહેલી ઓવરમાં જ ઈંગ્લેન્ડના ગઢમાં ગાબડું પાડી દીધું હતું અને પછી બીજી ઓવર તા ચોથી ઓવરમાં પણ વિકેટો ખેરવી ઈંગ્લેન્ડને નાજુક સ્થિતિમાં લાવી દીધું હતું.
જો કે, છઠ્ઠી ઓવરની ભાગીદારીમાં ડકેટ અને લિવિંગ્સ્ટને બાજી થોડી સંભાળી લઈ 88 રન કર્યા હતા. બેન ડકેટે 73 બોલમાં 71 અને લિવિંગ્સ્ટને 56 બોલમાં 45 રન કર્યા હતા, તો વેસ્ટ ઈન્ડિઝ તરફથી મેથ્યુ ફોર્ડ અને અલ્ઝારી જોસેફે 3-3 તથા રોમારીઓ શેફર્ડે બે વિકેટ લીધી હતી.
ફરી વિક્ષેપ પછી ડકવર્થના નિયમ મુજબ વેસ્ટ ઈન્ડિઝને 34 ઓવરમાં 188 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે કેરેબિયન બેટર્સે 31.4 ઓવર્સમાં, છ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કીસી કાર્ટીએ 50 અને એલિક અથાનાઝે 45 રન કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી વિલ જેક્સે ત્રણ અને ગસ એટકિન્સને બે વિકેટ લીધી હતી.
અગાઉ બુધવારે (6 ડીસેમ્બર) રમાયેલી બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડનો છ વિકેટે વિજય થયો હતો, તો રવિવારે (3 ડીસેમ્બર) રમાયેલી પ્રથમ વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝનો ચાર વિકેટે વિજય થયો હતો.
બીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝ 39.4 ઓવરમાં 202 રન કરી ઓલઆઉટ થઈ ગયું હતું, તેના જવાબમાં ઈંગ્લેન્ડે 32.5 ઓવરમાં ચાર વિકેટે 206 રન કર્યા હતા. પ્રથમ વન-ડેમાં ઈંગ્લેન્ડે 325 રન કર્યા હતા, તો જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 48.5 ઓવરમાં છ વિકેટે 326 રન કરી ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. એ મેચમાં શેઈ હોપે 83 બોલમાં 109 અને અથાનાઝે 65 બોલમાં 66 રન કર્યા હતા. ઈંગ્લેન્ડની ઈનિંગમાં તમામ પાંચ બોલર્સને વિકેટ મળી હતી.