ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંતની બનેલી પાંચ જજોની ખંડપીઠે સોમવારે બંધારણની કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓની પર ચુકાદો આપ્યો હતો. (PTI Photo)VIDEO GRAB VIA SUPREME COURT OF INDIA YOUTUBE

સુપ્રીમ કોર્ટે સોમવારે બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને બંધારણીય ગણાવ્યો હતો અને આગામી વર્ષે 30 સપ્ટેમ્બર સુધી ચૂંટણી યોજવાની તાકીદ કરી હતી.

કલમ 370 એક વિશેષ કલમ હતી. તેમાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ હકો આપવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરને સંરક્ષણ, સંદેશાવ્યવહાર અને વિદેશી બાબતો સિવાયના તમામ બાબતો માટે તેનું પોતાનું બંધારણ અને નિર્ણય લેવાના અધિકાર હતાં. આ કલમને મોદી સરકારે ઓગસ્ટ 2019માં નાબૂદ કરી હતી. મોદી સરકારના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો હતો.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે બહુમતી ચુકાદાને વાંચતા જણાવ્યું હતું કે કલમ 370 એ જમ્મુ અને કાશ્મીરના ભારતમાં વિલીનીકરણને સરળ બનાવવા માટેની એક અસ્થાયી જોગવાઈ હતી. જમ્મુ અને કાશ્મીરને “વહેલામાં વહેલી તકે અને શક્ય તેટલી વહેલી તકે” અન્ય રાજ્યોની સમકક્ષ બનાવવું જોઈએ અને 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં રાજ્યની ચૂંટણીઓ યોજવી જોઇએ.

પોતાના ચુકાદાની સ્પષ્ટતા કરતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતમાં જોડાયું ત્યારે તેને સાર્વભૌમત્વ જાળવી રાખ્યું ન હતું અને તેના ભારતમાં વિલીનીકરણની સમયે તેની બંધારણ સભાનું અસ્તિત્વ પૂરું થયું હતું. J&K બંધારણ સભાને કાયમી સંસ્થા બનવાનો ઈરાદો ન હતો. તેની રચના માત્ર બંધારણ ઘડવા માટે કરવામાં આવી હતી. બંધારણ સભાની ભલામણ રાષ્ટ્રપતિને બંધનકર્તા ન હતી. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશને બનાવવા કેન્દ્રના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

LEAVE A REPLY