સ્થાનિક બજારમાં ભાવને અંકુશમાં લાવવા માટે સરકાર ઘઉંના સ્ટોકનું વેચાણ કરી રહી છે, ત્યારે ભારતમાં સરકાર પાસેનો ઘઉંનો સ્ટોક ઘટીને 10 મેટ્રિક ટન થયો છે, જે સાત વર્ષમાં સૌથી ઓછો સ્ટોક છે. વિશ્વમાં બીજા ક્રમના સૌથી મોટા ઘઉં ઉત્પાદક ભારતે ગયા વર્ષે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ભારતમાં છેલ્લાં કેટલાંક મહિનામાં ભાવમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે.
સરકારે શુક્રવારે સંગ્રહખોરીને કાબૂમાં લેવા અને ભાવ વધારાને રોકવા માટે તાત્કાલિક અસરથી જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ, મોટા ચેઇન રિટેલર્સ અને પ્રોસેસર્સ માટે સ્ટોક હોલ્ડિંગના ધોરણોને વધુ કડક બનાવ્યા હતાં.
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે વેપારીઓ/હોલસેલરો માટે સ્ટોક મર્યાદા હાલના 2,000 ટનથી ઘટાડીને 1,000 ટન કરાઈ છે. દરેક રિટેલર માટે સ્ટોક લિમિટ 10 ટનની જગ્યાએ 5 ટન તથા મોટા ચેઇન રિટેલરના દરેક ડેપો દીઠ 5 ટન કરાઈ છે. મોટા રિટેલર્સ તેમના તમામ ડેપો માટે કુલ 1,000 ટનથી વધુ સ્ટોક રાખી શકશે નહીં. પ્રોસેસર્સના કિસ્સામાં, તેઓ 2023-24ના બાકીના મહિનાઓના જથ્થાનો ગુણાકાર કરીને માસિક સ્થાપિત ક્ષમતાના 70 ટકા સ્ટોક રાખી શકશે. વેપારીઓને સ્ટોકને સુધારેલી મર્યાદામાં લાવવા મા માટે 30 દિવસનો સમય મળશે.
એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઘઉંનો સ્ટોક કરતા તમામ એકમોએ ઘઉંના સ્ટોક લિમિટ પોર્ટલ પર નોંધણી કરાવવી અને દર શુક્રવારે સ્ટોકની સ્થિતિ અપડેટ કરવી જરૂરી છે.
સ્થાનિક પુરવઠામાં વધારો કરવા અને ભાવ વધારાને રોકવા માટે સરકાર ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન વધારાના 25 લાખ ટન FCI ઘઉંનું જથ્થાબંધ ગ્રાહકોને વેચાણ કરવા તૈયાર છે. સરકારે ચાલુ વર્ષે મે મહિનામાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન OMSS હેઠળ ઈ-ઓક્શન દ્વારા કેન્દ્રીય પૂલમાંથી બલ્ક ગ્રાહકોને ઘઉં વેચવાની છૂટ આપી હતી. એફસીઆઈએ સાપ્તાહિક ઈ-ઓક્શન દ્વારા પ્રોસેસર્સને અત્યાર સુધીમાં 44.6 લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું છે.