જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ના નેતા લાલદુહોમાએ શુક્રવારે મિઝોરમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 73 વર્ષીય લાલદુહોમા સાથે અન્ય 11 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. લાલદુહોમાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સુરક્ષા પ્રભારી તરીકે સેવા આપી હતી. ભૂતપૂર્વ IPS અધિકારીમાંથી રાજકારણી બનેલાએ કહ્યું કે તેમની સરકાર ખેડૂતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે.
રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિએ લાલદુહોમા અને અન્ય મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. 40 સભ્યોની વિધાનસભા સાથે મિઝોરમમાં મુખ્યમંત્રી સહિત 12 મંત્રીઓ રાખી શકાય છે. મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રીઓ જોરામથાંગા અને લાલ થનહવલા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. લુંગલેઈ પૂર્વ મતવિસ્તારમાંથી લાલરિનપુઈ મિઝોરમમાં પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી બન્યા હતાં. તેઓ આરોગ્ય, સામાજિક કલ્યાણ અને આદિજાતિ બાબતો, મહિલા અને બાળ વિકાસ અને પ્રવાસન વિભાગો સંભાળશે.