નડિયાદમાં બીએપીએસના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુવારે યોજાયો હતો. આ અવસરે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, સંત, શાસ્ત્ર અને સંસ્કૃતિ આ ત્રણ ભારતીય સંસ્કૃતિમાં મુખ્ય છે. ભારતીય જ્ઞાન અને ઉપાસના પદ્ધતિ અટલ રહી છે તેની પાછળનું કારણ ભારતની સંત, શાસ્ત્ર અને મંદિર પરંપરાનો સૌથી મોટો ફાળો છે. કોઈએ વિચાર્યું પણ ન હતું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર એક દિવસ આટલી સદભાવનાથી રામ મંદિર તૈયાર થવાનો માર્ગ મોકળો બનશે. પ્રભુ શ્રીરામ ભારતનો આત્મા છે ભારતની ઓળખ છે, ભારતનું ગૌરવ છે. ભૂપેન્દ્રભાઇ પટેલે નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થઇ ધર્મલાભ લીધો હતો. મુખ્ય પ્રધાન પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિની ઉજવણી સભામાં સહભાગી થયા હતા. ભૂપેન્દ્રભાઇ પટેલ અને બીએપીએસના વડા પરમ પૂજ્ય મહંતસ્વામિના હસ્તે નવા મંદિર અને તેના કેમ્પસના મોડેલને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાને મંદિરમાં સ્થાપિત મૂર્તિઓની દર્શન કરી નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પર અભિષેક કર્યો હતો.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, નડિયાદનું નૂતન સ્વામિનારાયણ મંદિર હોય કે, સેંકડો વર્ષનું આયોજન પ્રભુ શ્રી રામજીનું મંદિર હોય આ બધા મંદિરો આપણી અસ્મિતા અને ઊર્જાના સ્ત્રોત છે. આવનારી પેઢી વિકસિત ભારતના નિર્માણમાં અગ્રીમ યોગદાન આપે, ભારતીય સત્વ અને તત્વને જાળવીને પ્રગતિનો માર્ગ યુવા પેઢી કંડારે તે માટેની પ્રેરણા આ મંદિરો કાયમ આપતા રહેશે. મંદિર ઈશ્વરનું ધામ ,પ્રભુને પામવાનું સ્થાન પરમેશ્વરની ભક્તિ આરાધના ઉપાસના કરવાનું કેન્દ્ર છે.નડિયાદમાં બનેલું મંદિર ભક્તોના ભાવ પુરા કરવામાં ધર્મ ઉપાસના અને સંસ્કૃતિનું કેન્દ્ર બની રહેશે. હજારો વર્ષ સુધી વિદેશીઓના શાસનકાળ છતાં ગુજરાતમાં આ ભાગવત પરંપરાઓનો અનેરો ત્રિવેણી સંગમ રચનાર અને હજારો લાખો માનવીઓને સદાચાર અને ભક્તિના માર્ગે લઈ જનાર ભગવાન સહજાનંદ સ્વામી હતા.
ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થપાયેલી એકાંતી ઉપાસનાની અનોખી રીત બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળે છે.બી.એ.પી.એસના સંતો હરિભક્તો યુવા અને બાળકોની અમીછાપ જનમાનસ પર છે. મંદિરો આપણી વિરાસત છે ભારતના સંસ્કૃતિનું કેન્દ્ર છે, લોક-જીવનને ધબકાર આપતા જીવંત કેન્દ્રો છે આપના આધ્યાત્મિકના કેન્દ્રબિંદુ છે. બીએપીએસ સંસ્થા વિદેશમાં મંદિરનું નિર્માણ કરીને ત્યાં સત્સંગ મંડળો અને સભાઓ કરી આપણી સંસ્કૃતિ અને મૂલ્યોને જાળવી રાખવાનું મોટું કામ કરી રહી છે. વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજના નવા જુસ્સા સાથે સત્સંગ પ્રવૃત્તિને આગળ ધપાવી રહ્યા છે તેમણે ઉમેર્યું હતું.
સંસ્થાના વડા મહંત સ્વામી અને કેવલ જ્ઞાન પીઠાધિશ્વર પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા.
સંસ્થાના સંત બ્રહ્મવિહારી સ્વામીએ સૌને આવકારતા જણાવ્યું હતું કે,આ મંદિર માત્ર દર્શનનું નહિ પરંતુ જીવન ઉત્કર્ષના સ્થાન સાથે સામાજિક એકતા અને સમાજની નવરચનાનું કેન્દ્ર બની રહેશે. મંદિર દ્વારા ૧૬૦ જેટલી સમાજ સેવાની પ્રવૃતિ કરવામાં આવે છે. પ્રમુખ સ્વામીના જન્મ સ્થાન ચાણસદમાં મહિલા આઇ.ટી.આઈ અને સંસ્કૃત મહા વિદ્યાલય શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ અવસરે મુખ્ય પ્રધાનને યુએઈમાં સ્થપાયેલ સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ અવસરે સહકાર રાજ્ય પ્રધાન જગદીશભાઈ વિશ્વકર્મા, સંસ્થાના સંતવર્ય ડોક્ટર સ્વામી, શ્રી ત્યાગવલ્લભ સ્વામી, ઇશ્વરચરણ સ્વામી, ભક્તિપ્રિય સ્વામી, વિવેકસાગર સ્વામિ સહિતના વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.