જુનિયર મેહમૂદ તરીકે જાણીતા પીઢ અભિનેતા નઈમ સૈયદનું શુક્રવારે પેટના કેન્સર સામેની લડાઈ બાદ મુંબઈના ખારમાં તેમના ઘરે નિધન થયું હતું. તેઓ 67 વર્ષના હતાં. અભિનેતાના પરિવારેએક નિવેદનમાં તેમના નિધનની પુષ્ટિ કરી કરતાં જણાવ્યું હતું કે “જુનિયર મેહમૂદનું તેમના નિવાસસ્થાને સવારે 2.15 વાગ્યે નિધન થયું હતું. તેઓ પેટના કેન્સરથી પીડિત હતા. તેમના આત્માને શાશ્વત શાંતિ મળે.”
જુનિયર મેહમૂદે બાળ કલાકાર તરીકે મોહબ્બત ઝિંદગી હૈ (1966)થી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે નૌનિહાલ, કારવાં, હાથી મેરે સાથી, મેરા નામ જોકર, સુહાગ રાત, બ્રહ્મચારી, કટી પતંગ, હરે રામા હરે કૃષ્ણ, ગીત ગાતા ચલ, ઈમાનદાર, બાપ નંબરી બેટા દસ નંબરી, આજ કા અર્જુન, ગુરુદેવ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
અભિનેતાએ પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા અને એક રિશ્તા સાજેદારી કા જેવા ટીવી શોમાં પણ કામ કર્યું હતું. તેમણે ઘણી મરાઠી ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું હતું.