પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં ગુલામી કરાવવા મહિલાની માનવતસ્કરી કરવાના ગુનામાં ભારતીય મોટેલ મેનેજરને 57 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે સાત વ્યક્તિને વળતર તરીકે 40,000 ડોલર ચુકવવાનો પણ આરોપીને આદેશ આપ્યો હતો.

કોર્ટના દસ્તાવેજો અનુસાર ભારતીય નાગરિક અને અમેરિકાના કાયદેસરના સ્થાયી નિવાસી શ્રીશ તિવારીએ જ્યોર્જિયાના કાર્ટરવિલેમાં બજેટલ મોટેલ ચાલુ કરી હતી. તિવારીએ મહિલાને મોટેલમાં નોકરાણી તરીકે  રાખી હતી અને તેને એક રૂમ આપ્યો હતો. આરોપી જાણતો હતો કે પીડિતા અગાઉ બેઘર હતી અને હેરોઈનનું વ્યસન હતું તથા તેના નાના બાળકની કસ્ટડી ગુમાવી હતી. તિવારીએ પીડિતાને સારા પગાર, એક એપાર્ટમેન્ટ અને બાળકની કસ્ટડી પાછી મેળવવામાં કાનૂની મદદનું પ્રલોભન આપ્યું હતું.

જોકે તિવારીએ મોટેલના મહેમાનો અને કર્મચારીઓ સાથે પીડિતાની વાતચીત પર નજર રાખી હતી અને કોઇની સાથે બોલવાની મનાઈ ફરમાવી હતી. પીડિતાને તેના પરિવાર અને મિત્રો સાથે પણ વાતચીત કરવા દીધી ન હતી. તિવારીએ પીડિતા સાથે જાતીય સંબંધો બાંધવાનો પણ પ્રયાસ કર્યો હતો અને ઘણીવાર મોટેલમાં આપેલા રૂમમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. તિવારીએ પીડિતાના ડ્રગના વ્યસનની જાણ કાયદા અમલીકરણ અથવા બાળ કલ્યાણ એજન્સીઓને કરવાની ધમકી પણ આપી હતી. આ પછી આરોપીએ સેક્સ સંબંધ બાંધવાની પણ ફરજ પાડી હતી અને પીડિતા આવું કરવાની ના પાડે તો મોટેલમાંથી કાઢી મૂકતો હતો.

જ્યોર્જિયાના નોર્ધન ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની રેયાન કે બુકાનને જણાવ્યું હતું કે તિવારીએ પોતાની તાકાતનો દુરુપયોગ પીડિતાને નિર્દય હત્યાચાર માટે કરતો હતો, કારણ કે તે અગાઉથી જાણતો હતો કે પીડિતા અગાઉથી પીડામાંથી પસાર થયેલી છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments