અમેરિકા સ્થિત ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ 13 ડિસેમ્બરે ભારતીય સંસદ પર 2001ના આતંકવાદી હુમલાની વરસી પર સંસદના પાયાને હચમચાવી નાંખવાની ધમકી આપતો વીડિયો સંદેશ બહાર પાડ્યા પછી દિલ્હી પોલીસ એલર્ટ બની હતી.
પન્નુને એક વિડિયો બહાર પાડ્યો જેમાં ભારતીય સંસદ પર હુમલો કરનાર અને 2013માં ફાંસી પર લટકનાર આતંકવાદી અફઝલ ગુરુની સાથે તેના ફોટા સાથેનું પોસ્ટર દર્શાવ્યું હતું. પોસ્ટરમાં “દિલ્હી બનેગા ખાલિસ્તાન” પણ લખેલું હતું. પન્નુને કહ્યું કે તેમની હત્યાનું ભારતીય એજન્સીઓએ ઘઙેલુ કાવતરુ નિષ્ફળ ગયું છે.
પન્નુની ધમકી બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ અને દિલ્હી પોલીસે નવી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી હતી. સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે પન્નુનો વીડિયો જોયા બાદ એવી આશંકા છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનું K-2 (કાશ્મીર-ખાલિસ્તાન) ડેસ્ક પન્નુને સમર્થન કરી રહ્યું છે. તેને આ વીડિયોની સ્ક્રિપ્ટ પણ પન્નુને આપી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સંસદ અને તેની આસપાસ સુરક્ષા પહેલેથી જ વધારી દેવામાં આવી છે. કોઈને પણ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સંસદ ચાલુ હોય ત્યારે અમે સતર્ક રહીએ છીએ. અમે કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે તમામ સાવચેતીનાં પગલાં લઈ રહ્યા છીએ. પન્નુના વીડિયોમાં 2001ના સંસદ પરના હુમલાના ગુનેગાર અફઝલ ગુરુનો ફોટો પણ હતો. પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડાએ દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી સરકારે તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને 13 ડિસેમ્બરે તેનો જવાબ અપાશે.