સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાઓ આપેલા બંધના એલાન વચ્ચે રાજસ્થાનમાં જયપુર અને અન્ય કેટલાક જિલ્લાઓમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થયા હતા અને બજારો સજ્જડ બંધ રહ્યા હતા. કરણી સેનાના સભ્યોએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ, ઈન્દોર અને જબલપુર સહિત મધ્યપ્રદેશના અનેક શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનો કર્યા હતાં. જયપુરમાં જાહેર પરિવહનન વ્યવસ્થા ખોરવાઈ હતી અને રોડવેઝની બસોની સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી.
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાતચીત કરી હતી તથા રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ સચિવ, પોલીસ વડા અને જયપુર પોલીસ કમિશનરને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બોલાવ્યાં હતા. પોલીસે રાજપૂત નેતાની હત્યાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ ફેસબુક પર એક પોસ્ટ કરીને હત્યાની જવાબદારી સ્વીકારીને જણાવ્યું હતું કે ગોગામેડીએ તેમના દુશ્મનોને સમર્થન આપ્યું હોવાથી આ હત્યા કરાઈ હતી.
પોલીસે બે કથિત હત્યારાઓની ઓળખ જયપુરના રોહિત રાઠોડ અને હરિયાણાના મહેન્દ્રગઢના નિતિન ફૌજી તરીકે કરી હતી તથા તેમની ધરપકડ કરવા તરફ દોરી જાય તેવી માહિતી માટે રૂ.5 લાખના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.
જયપુર, કોટા, બુંદી, અજમેર, સવાઈ માધોપુર, ચિત્તોડગઢ, ઝાલાવાડ, બરાન અને અન્ય કેટલાક જિલ્લાઓમાં બજારો બંધ રહ્યાં હતાં. ઉદયપુરમાં એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને પોલીસની ભારે તૈનાતી વચ્ચે કલેક્ટર સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરાયા હતા.
દેખાવકારોએ દિલ્હી તરફ જતો હાઇવે બ્લોક કરી દેતા જયપુરમાં 200-ફૂટ બાયપાસ પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો