)

બ્રિટનમાં આવતા નેટ ઇમીગ્રન્ટ્સનું સ્તર 2022માં લગભગ 750,000ના વિક્રમ સ્તરે પહોંચતા ગભરાયેલી બ્રિટિશ સરકારે સોમવારે તા. 4ના રોજ કડક નવા ઇમિગ્રેશન નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો હેઠળ, ઇમીગ્રન્ટ્સે વર્ક વિઝા મેળવવા માટે વધુ કમાણી કરવી પડશે અને પરિવારના સભ્યોને યુ.કે.માં લાવવાનું મુશ્કેલ બનશે. માનવામાં આને છે કે તેના કારણે યુકેમાં આવવા માંગતા હજારો લોકોની સંખ્યામાં ઘટાડો થશે.

જાન્યુઆરીથી મોટાભાગના વિદેશી ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પરિવારના સભ્યોને યુ.કે.માં લાવી શકશે નહીં. ઓવરસીઝ કેર વર્કર્સને હવે યુકેમાં આશ્રિતોને લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હવેથી જે કેર પ્રોવાઇડર્સ કેર ક્વોલિટી કમિશન દ્વારા સેવા આપતા હશે તેઓ જ ઇમીગ્રન્ટ કામદારોને સ્પોન્સર કરી શકશે.

હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ જણાવ્યું હતું કે ‘’સરકાર અધિકૃત ઈમિગ્રેશનને ઓછું કરવા માટે “મજબૂત પગલાં” લઈ રહી છે. 2024ની સ્પ્રિંગ ઋતુથી, સંભવિત ઇમિગ્રન્ટ્સે સ્કીલ્ડ વર્કર વિઝા મેળવવા માટે હાલના £26,200ના બદલે £38,700 દર વર્ષે કમાવવા પડશે. જે બ્રિટિશ નાગરિકો તેમના વિદેશી જીવનસાથીને બ્રિટનમાં લાવવા માગતા હશે તેમણે વર્ષે £38,700 કમાવા પડશે. આ નવા પગલાં ભવિષ્યના વર્ષોમાં બ્રિટન જવા માટે લાયક લોકોની સંખ્યામાં 300,000 જેટલો ઘટાડો કરશે.’’

યુનિસન ટ્રેડ યુનિયનના જનરલ-સેક્રેટરી ક્રિસ્ટીના મેકેનીએ જણાવ્યું હતું કે ‘’સરકારના આ પગલાં હેલ્થ કેર માટે “સંપૂર્ણ આપત્તિ” હશે. બંને ક્ષેત્રોમાં સ્ટાફની ગંભીર અછત હોવાથી ઇમીગ્રન્ટ કામદારોને અહીં આવવા માટે પ્રોત્સાહિત કરાયા હતા. હોસ્પિટલો અને કેર હોમ્સ તેમના વિના કામ કરી શકતા નથી. પરિવાર વિના રહેવાની ફરજ પાડવાને કારણે હવે તેઓ વધુ આવકારદાયક દેશો તરફ પ્રયાણ કરશે.”

વિપક્ષી લેબર પાર્ટીના ઈમિગ્રેશન પ્રવક્તા હ્યુવેટ કૂપરે જણાવ્યું હતું કે ‘’મુખ્ય નોકરીઓ ભરતી થવા માટે કામદારોને યુકે સરકાર તાલીમ આપવામાં નિષ્ફળ રહી છે. સોસ્યલ કેર, એન્જિનિયરિંગ, બ્રિકલેઇંગ સહિતના અછત ધરાવતા તમામ બિઝનેસ માટે કર્મચારીઓની યોજના ક્યાં છે?’’

ટીકાકારોએ કહ્યું હતું કે ‘’સરકારના આ પગલાં હેલ્થ એન્ડ સોસ્યલ કેર જેવા અતિશય વિસ્તરેલ ક્ષેત્રોને બ્રેકિંગ પોઈન્ટ પર છોડી દેશે. આ ક્ષેત્રો ઇમિગ્રન્ટ સ્ટાફ પર ખૂબ જ નિર્ભર હોવાથી તેમને પગારના આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકાર “શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટ” પરના સેક્ટરમાં એમ્પ્લોયર્સને ઇમિગ્રન્ટ કામદારોને 20% ઓછો પગાર ચૂકવવા દેતી હતી તે નિયમને પણ રદ કરનાર છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા ગયા મહિને બહાર પડાયેલા આંકડાઓ મુજબ યુકેમાં 2022માં નેટ માઈગ્રેશન વિક્રમરૂપ 745,000 સુધી પહોંચ્યું હતું. યુક્રેન અને હોંગકોંગથી પણ સેંકડો હજારો લોકો યુકે આવ્યા છે જેને કારણે 2022નો ઇમિગ્રેશન આંકડો બ્રેક્ઝિટ પહેલાના સ્તર કરતાં ત્રણ ગણો વધ્યો છે.

ઇમિગ્રેશન ઘટાડવું એ ગવર્નિંગ કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઘણા લોકો માટે અગત્યનો મુદ્દો છે અને તેને કારણે જ  જેમણે દેશની સરહદો પર “પાછું નિયંત્રણ” લેવા માટે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનની બહાર નીકળવા માટે બ્રેક્ઝીટનું સમર્થન કર્યું હતું. બ્રિટને 2020માં ઇયુ છોડી દેતા યુકેમાં રહેવા અને કામ કરવાના 27 ઇયુ દેશોના નાગરિકોનો અધિકાર સમાપ્ત થયો હતો. ત્યારથી, કામ અથવા અભ્યાસ માટે બ્રિટન આવવા માટે લોકોને આપવામાં આવતા વિઝાની સંખ્યામાં વધારો થયો છે. કન્ઝર્વેટિવ્સ માને છે કે આગામી ચૂંટણી પહેલા ઇમિગ્રેશનમાં કાપ મુકવાથી મતો વધશે.

ઘણા અર્થશાસ્ત્રીઓ કહે છે કે ઓછા પગારવાળી હેલ્થ કેર અને સોસ્યલ કેરની આવશ્યક નોકરીઓ ભરવા માટે ઇમિગ્રન્ટ્સ જરૂરી છે. તેઓ અર્થતંત્રમાં પણ વધુ ફાળો આપે છે.

બીજી તરફ ઇંગ્લિશ ચેનલ ક્રોસ કરીને નાની બોટમાં આવી અનધિકૃત રીતે આશ્રય માંગતા લોકોને રોકવાના પોતાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે સરકાર પર દબાણ ચાલુ છે. તો ગયા મહિને યુકે સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે આવા લોકોને રવાંડા મોકલવાની સરકારની યોજના ગેરકાયદેસર હતી.

LEAVE A REPLY