કોવિડ વખતે સાઉથ લંડનના ક્રોયડનમાં વસતા વૃદ્ધ અને નબળા લોકોની અસમર્થતાને પારખીને તેમના ઘરના દરવાજે ગરમ ભોજન પીરસવાના ભગીરથ કાર્યની શરૂ કરનાર ‘સેવા કિચન’ની કામગીરીને 3 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે 21મી સેવા કિચન મીટિંગમાં સ્વયંસેવકોની કામગીરીની સરાહના કરવામાં આવી હતી.
સેવા કિચન દ્વારા પોતાની સેવાનો વ્યાપ વધારીને સ્ટ્રેધમ, થોર્નટન હીથ, શર્લી, સાઉથ ક્રોયડન અને પર્લીમાં દર અઠવાડિયે સરેરાશ 70 ભોજનની ડિલિવરી કરાઇ રહી છે. 30મી સપ્ટેમ્બર 2020થી 27મી સપ્ટેમ્બર 2023 સુધીમાં સેવા કિચન દ્વારા કુલ 4,260 ભોજન પહોંચાડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ શટ ડાઉનની શરૂઆતમાં જાણીતા અગ્રણી ચંદ્રકાંત શુક્લાજી અને અન્ય લોકોએ મૂળભૂત જરૂરિયાતો ખરીદવા માટે બહાર જવાની વૃદ્ધ, નબળા, બીમાર અને સંવેદનશીલ લોકોની અસમર્થતા વિશે વિચાર કરી કશુંક કરવું જોઇએ એવો મત વ્યક્ત કર્યો હતો. એક બેઠકમાં સૌએ સાથે મળીને આવા લોકોને તાજુ રાંધેલું ગરમ ભોજન પહોંચાડવાનું શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
સ્વયંસેવકોએ પોતાના ઘરે રસોઈ બનાવવાની અને તેને લોકોના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી ઉપાડી લીધી હતી. બાલમ મંદિર, સ્વામિનારાયણ મંદિર સ્ટ્રેધામ, દત્ત સહજ યોગ મિશન (યુકે), હિંદુ સ્વયંસેવક સંઘ, સબરંગ આર્ટ્સ અને ઓશવાલ એસોસિએશન ક્રોયડનની રસોઈ ટીમોએ રસોઇ બનાવવાની શરૂઆત કરી હતી અને 30મી સપ્ટેમ્બર 2020, બુધવારના રોજ પ્રથમ ભોજનની ડિલિવરી કરાઇ હતી.
VHPના ટ્રેઝરર શ્રી મુકેશ પટેલ અને શ્રી ધર્મેશ છેડા પ્રોજેક્ટનું સંકલન કરે છે અને આજે પણ સેવા કિચનની ટીમ દર બુધવારે ભોજન તૈયાર કરી પેક કરી લોકોના ઘરે પહોંચાડે છે.