મિચોંગ વાવાઝોડાએ મંગળવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરતાં પહેલા તમિલનાડુમાં ભારે તબાહી સર્જી હતી અને તેનાથી ચેન્નાઇમાં વરસાદ સંબંધિત ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. આંધ્ર પ્રદેશ સરકારે તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા એમ આઠ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું હતું. પુડુચેરીમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી, ત્યાં સાંજના 6 વાગ્યા સુધી હિલચાલ પર પ્રતિબંધ મૂકાયો હતો.
મિચોંગ વાવાઝોડાને પગલે સોમવારે તમિલનાડુ અને પુડુચેરી પર મુશળધાર વરસાદ વરસાવ્યો હતો. ઉત્તર તટીય તમિલનાડુમાં ભારે વરસાદ નોંધાયો હતો, જેમાં ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, નાગાપટ્ટિનમ અને કુડ્ડલોર જિલ્લાઓનો સમાવેશ થાય છે. ચેન્નાઇ શહેરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા અને એરપોર્ટ પર રન-વે પણ પાણીમાં ડૂબી ગયો હોવાથી ફ્લાઈટ્સ રદ થઈ હતી. ચેન્નાઈ શહેરમાં એટલો ભારે વરસાદ પડ્યો હતો કે ઘણી જગ્યાએ વાહનો રમકડાની જેમ તણાઈ રહ્યા હોવાના વીડિયો વાઈરલ થયા હતા.
ભારે વરસાદ કારણે ચેન્નાઈ અને આજુબાજુના ત્રણ જિલ્લાઓમાં શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રાખવાનો આદેશ અપાયો હતો. રાજ્ય સરકારે ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી.
ચેન્નાઈના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા. વાવાઝોડું મંગળવારે બપોરે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. સોમવારે સવારે 5:30 વાગ્યા સુધીના 24 કલાકમાં મીનામબક્કમમાં 196 મીમી અને નુંગમબક્કમમાં 154.3 મીમી વરસાદ સાથે ચેન્નાઈ શહેર અને તેના પડોશી જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો.