ચીન તરફી ઝુકાવ ધરાવતા માલદીવ્સના પ્રમુખ મોહમ્મદ મુઇઝુએ રવિવારે જણાવ્યું હતું કે ભારત સરકાર માલદીવ્સમાંથી તેના સૈનિકોને પાછી ખેંચવા માટે સંમત થઈ છે. માલદીવ્સની “ઇન્ડિયા ફર્સ્ટ” નીતિને બદલી નાંખવાનું વચન આપીને તેઓ સપ્ટેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણી જીત્યા હતા અને પછી ભારતને પોતાના દેશમાંથી સૈનિકો પાછા ખેંચી લેવાનું જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે “અમારી સાથેની ચર્ચામાં ભારત સરકાર ભારતીય સૈનિકોને હટાવવા માટે સંમત થઈ છે. અમે વિકાસ પરિયોજનાઓ સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા માટે પણ સંમત થયા છીએ.”
મુઇઝુએ ભારતીય અધિકારીઓ સાથે COP28 આબોહવા સમિટની દરમિયાન આ જાહેરાત કરી હતી. જોકે આ મુદ્દે ભારતના વિદેશ મંત્રાલયની કોઇ પ્રતિક્રિયા આવી નથી.
ભારત અને ચીન હિંદ મહાસાગર દ્વીપસમૂહમાં પ્રભાવ માટે સ્પર્ધા કરી રહ્યા છે. મુઇઝુને સમર્થન આપતું ગઠબંધન ચીન તરફ વધુ ઝુકાવ ધરાવે છે. ભારત દ્વારા માલદીવને આપવામાં આવેલા બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટના સંચાલન મોટાભાગના ભારતીય સૈન્ય કર્મચારીઓ માલદીવમાં હતા. ભારત માલદીવને અમુક લશ્કરી સાધનો પૂરા પાડે છે, આપત્તિ પ્રતિભાવમાં મદદ કરે છે અને ત્યાં નૌકાદળના ડોકયાર્ડ બનાવવામાં મદદ કરે છે.