આ ફિલ્મ બિઝનેસમેન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના વાસ્તવિક જીવનની કહાની છે, જેમાં તેના દુઃખદ અનુભવોને દર્શાવવામાં આવ્યા છે. 2021માં કથિત અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુંદ્રાની ધરપકડ થઈ હતી અને તેને 63 દિવસ સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં રહેવું પડ્યું હતું.
2021ના પોર્નોગ્રાફી કેસ સુધી રાજ કુંદ્રાની છાપ એક સમજદાર બિઝનેસમેન અને સુંદર અભિનેત્રીના પતિ તરીકેની હતી. માનવામાં આવે છે કે, UT69 રાજ કુંદ્રા માટે એવું મંચ બની રહેશે જ્યાં તે પોર્નોગ્રાફી કેસમાં પોતાની નિર્દોષતા સાબિત કરી શકશે. મુંબઈની આર્થર રોડ જેલમાં તેણે કપરા દિવસો કાઢ્યા હતા. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, આ ફિલ્મ એ મુદ્દાને દૂરથી જ સ્પર્શે છે. ફિલ્મમાં રાજ કુંદ્રાએ પોતાની નિર્દોષતા સાબિત કરવાની કોઈ યોગ્ય પ્રયાસ પણ કર્યો નથી. હકીકતે તો આ ફિલ્મમાં ભારતીય જેલોમાં જોવા મળતી અમાનવીય સ્થિતિને ઉજાગર કરવામાં આવી છે.
ફિલ્મની શરૂઆત રાજ કુંદ્રાની ધરપકડ અને આર્થર રોડ જેલમાં તેને કેદ કરવાથી થાય છે. 63 દિવસ બાદ જામીન પર તેનો છૂટકારો થાય છે. ફિલ્મ રાજ કુંદ્રાના અનુભવોને દર્શાવીને આગળ વધે છે. 200થી વધુ કેદીઓ સાથે 6×4ના બેરેકમાં રહેવું કોઈની પણ હાલત ખરાબ કરી શકે છે. સફાઈ વ્યવસ્થાની દયનીય સ્થિતિ, ભોજનમાં પાણી જેવી દાળ અને જેલમાં સાથી કેદીઓના મોઢ પોતાની જાણીતી પત્ની અંગે ચર્ચા થતી સાંભળવી મુશ્કેલ લાગે છે.
ફિલ્મમાં પોતાની જ ભૂમિકા ભજવનારા રાજ કુંદ્રાએ અભિનય કરવાનો સારો પ્રયત્ન કર્યો છે. આમ આ ફિલ્મ રાજ કુંદ્રાના જીવનની ઘટના પર આધારિત છે. જેલની વ્યવસ્થા અને કઠોર જિંદગીને મનોરંજક અંદાજમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.