ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચેનું બોન્ડિંગ વધુને વધુ મજબૂત બની રહ્યું છે. દુબઈમાં COP28 સમિટ દરમિયાન મેલોનીએ ભારતના વડાપ્રધાન સાથે એક સેલ્ફી લીધી હતી અને સોશિયલ મીડિયામાં તે પોસ્ટ કરીને ‘મેલોડી’ લખ્યું હતું, જેમાં મેલોની અને મોદી નામ એકસાથે જોડી દીધું હતું. આ સેલ્ફી સોશિયલ મીડિયા વાયરલ બની હતી અને ચર્ચાનું કેન્દ્ર બની હતી.
ઇટલીના વડાએ મેલોનીએ સેલ્ફી પોસ્ટ કરીને લખ્યું હતું કે “COP28માં સારા મિત્રો”. આ અંગે પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાન મોદીએ મેલોનીના ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું હતું કે “મિત્રોને મળવું હંમેશા આનંદદાયક હોય છે”.
મેલોની અને મોદી વચ્ચે 10 મહિનામાં આ ચોથી મુલાકાત હતી. જ્યોર્જિયા મેલોની આ વર્ષે સપ્ટેમ્બરમાં G-20 સમિટ માટે દરમિયાન વડાપ્રધાન મોદીને મળ્યાં હતાં. બંને નેતાઓ વચ્ચેની બેઠક પછી મેલોનીએ ચીનના અતિ મહત્ત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઇ)માંથી નીકળી જવાનો મોટો નિર્ણય કર્યો હતો. 19 થી 21 મે દરમિયાન જાપાનના હિરોશિમામાં જી-7 કોન્ફરન્સ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. અગાઉ માર્ચમાં મેલોની આઠમી રાયસીના ડાયલોગ 2023માં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા ભારત આવ્યાં હતા. આ દરમિયાન પણ તેમનું પીએમ મોદી સાથે ખૂબ જ સારું બોન્ડિંગ જોવા મળ્યું હતું.
દુબઈમાં મોદીએ વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટના ઉદઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે ટ્રાન્સફોર્મિંગ ક્લાઈમેટ ફાઇનાન્સ પરના પ્રેસિડેન્સીના સેશનમાં હાજરી આપી હતી. તેઓ મેલોની, બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા, બ્રિટિશ વિદેશ પ્રધાન ડેવિડ કેમેરોન, ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર, તુર્કીના પ્રમુખ આરટી એર્ડોગાન, સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન અને માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુ સહિત વિશ્વના અનેક નેતાઓને મળ્યાં હતા.