ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીએ ફરી વિશ્વના ટોચના 20 સૌથી ધનિક વ્યક્તિઓમાં સ્થાન મેળવ્યું છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં સતત તેજીને કારણે ગ્રૂપના માર્કેટવેલ્યુમાં આશરે રૂ.1.33 લાખ કરોડનો જંગી વધારો થયા બાદ અદાણીનું પુનરાગમન થયું હતું, એમ બ્લૂમબર્ગના તાજેતરના અપડેટમાં જણાવાયું હતું.
તેઓ હાલમાં બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં 19મું સ્થાન ધરાવે છે, જે તેમની કુલ નેટવર્થમાં $6.5 બિલિયનનો વધારો દર્શાવે છે. અગાઉ તેઓ 22મા નંબર પર હતા. પણ હવેથી ટોપ 20માં આવી ગયા છે.
ભારતના બીજા નંબરના સૌથી ધનિક ગૌતમ અદાણી જાન્યુઆરી 2023માં વિશ્વના ટોપ 3 અબજપતિઓમાં સ્થાન ધરાવતા હતા, પરંતુ હિન્ડનબર્ગ રિસર્ચના ચોંકાવનારા રીપોર્ટ પછી તેમના માર્કેટવેલ્યૂમાં ભારે ધોવાણ થયું હતું. હિન્ડનબર્ગનો આંચકો સહન કર્યા પછી અદાણી જૂથે 10 મહિનામાં મોટી રિકવરી કરી છે.
અદાણીની સંપત્તિમાં 6.5 બિલિયન ડોલરનો ઉછાળો આવતા જ તેમની નેટવર્થ 66.7 અબજ ડોલર થઈ ગઈ છે. હવે તેઓ જુલિયા ફ્લેશર ફેમિલી, ઝોંગ શાંશાન અને ચાર્લ્સ કોચ કરતા આગળ નીકળી ગયા છે. જુલિયા ફ્લેશર ફેમિલીની સંપત્તિ 64.7 અબજ ડોલર, ઝોંગ શાંશાનની સંપત્તિ 64.10 અબજ ડોલર અને ચાર્લ્સ કોચની સંપત્તિ 60.70 અબજ ડોલર છે.
જોકે, જાન્યુઆરીથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અદાણીની સંપત્તિ 53.80 અબજ ડોલર જેટલી ઓછી છે. અમેરિકા સ્થિત શોર્ટ સેલર હિન્ડનબર્ગ દ્વારા અદાણી જૂથ પર ગંભીર આરોપો મૂકાયા તેના કારણે અદાણીની માર્કેટ કેપમાં 150 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. દુનિયાના અબજપતિઓના લિસ્ટમાં રિલાયન્સ જૂથના વડા મુકેશ અંબાણી હાલમાં 89.5 અબજ ડોલરની સંપત્તિ સાથે 13મા ક્રમે છે. ચાલુ વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 2.34 અબજ ડોલરનો વધારો થયો છે.
24 જાન્યુઆરીએ હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યો ન હતો ત્યારે અદાણીની માર્કેટ કેપિટલ 19.19 લાખ કરોડ હતી. તેની તુલનામાં અદાણી જૂથની માર્કેટ કેપ હજુ પણ 41 ટકા ઓછું છે.
અદાણીની સામે સેબીની તપાસમાં હવે શંકા કરવા જેવું કંઈ લાગતું નથી તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યા પછી અદાણીના શેરોમાં આ તેજી આવી હતી. સુપ્રીમે કોર્ટે કહ્યું હતું કે વિદેશી મીડિયા રિપોર્ટમાં જે આવે તે બધું સત્ય જ હોય તેમ માની લેવાની કોઈ જરૂર નથી. આ વિશે જે આરોપો કરવામાં આવ્યા હતા તેની યોગ્ય ઓથોરિટી દ્વારા તપાસ થઈ ગઈ છે.