આ અઠવાડિયે યુકેના ચાન્સેલર જેરેમી હંટે ઓટમ સ્ટેટમેન્ટમાં કરના દરો ઘાડવાની જાહેરાત બાદ વડા પ્રધાન ઋષિ સુનક અને શાસક કન્ઝર્વેટિવ્સને ઓપિનિયન પોલમાં નાનો ફાયદો થયો હતો.
‘ધ ટાઈમ્સ’ માટે યુગોવના સર્વેક્ષણ મુજબ, સુનકની આગેવાની હેઠળની ટોરીઝની લોકપ્રિયતાનું રેટિંગ વધીને 25 ટકા થઈ ગયું છે. જે પાછલા સપ્તાહની તુલનામાં ચાર પોઈન્ટ વધુ છે. જ્યારે વિપક્ષ લેબરના 44 ટકાના રેટિંગમાં કોઈ ફેરફાર થયો નથી. લેબર હજુ પણ સરકાર પર 19-પોઇન્ટની કમાન્ડિંગ લીડ ધરાવે છે.
હન્ટે નેશનલ ઇન્સ્યોરન્સ (ટેક્સ)ના દરમાં 2 પેન્સનો ઘટાડો કરતા 61 ટકા મતદારો અને છેલ્લી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ્સને સમર્થન આપનાર 72 ટકા લોકોએ ટેકો આપ્યો હતો. લઘુત્તમ વેતન £11.44 પ્રતિ કલાક કરાતા તેને 85 ટકા લોકોનું સમર્થન મળ્યું હતું.
પાર્ટી સામાન્ય ચૂંટણી માટે તૈયારી કરી રહી છે ત્યારે આ ઓપિનિયન પોલને ટોરીઝ દ્વારા આવકારવામાં આવશે. સામાન્ય ચૂંટણી જાન્યુઆરી 2025 પહેલા કરવી આવશ્યક છે. માત્ર 18 ટકા લોકોએ કહ્યું કે તેઓ વિચારે છે કે બજેટના પગલાં તેમના પરિવારોની હાલત વધુ સારી બનાવશે.