ફળોના જ્યુસ ડ્રિંક્સ બનાવતી વિખ્યાત રૂબિકોનના સ્થાપક, શાના ફૂડ્સના સહ-સ્થાપક, સફળ બિઝનેસમેન અને ફિલાન્થ્રોપીસ્ટ શ્રી નરેશ ગોરધનદાસ નાગરેચાનું લાંબી માંદગી બાદ 73 વર્ષની વયે મંગળવાર તા. 28મી નવેમ્બર 2023ના રોજ શાંતિપૂર્ણ અવસાન થતાં બ્રિટનના લોહાણા અને ગુજરાતી બિઝનેસ કોમ્યુનિટીમાં શોક વ્યાપી ગયો છે.

શ્રી નરેશભાઇ લાંબી માંદગી સામે છેલ્લે સુધી હિંમતવાન લડત પછી તેમના ઘરે, પ્રેમાળ પરિવારની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે જીવનનો જંગ હારી ગયા હતા. તેઓ પત્ની વીણાબેન, દુબઇ રહેતા પુત્ર નીલ અને પુત્રવધૂ શીના નાગરેચા અને ઓન્ટારિયો રહેતા પુત્રી અંજલી અને રિશી કટારિયા, ગ્રાન્ડ ચિલ્ડ્રન કરિના, અરૈયા અને સંસારા કટારિયા, ભાઇ જગદીશભાઇ, અશોકભાઇ, બહેનો સરલા ચંદારાણા (યુકે), જ્યોત્સના રૂપારેલીયા (યુગાન્ડા) અને નીતા ઠાકર (યુગાન્ડા) અને પૂરા પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.

સ્વ. જમનાબેન નાગ્રેચા અને ગોરધનદાસ નાગરેચાના પુત્ર નરેશભાઇનો જન્મ 1950માં કમુલી, યુગાન્ડામાં થયો હતો. ઇદી અમીને યુગાન્ડાના એશિયનોને હાંકી કાઢતા તેઓ સપરિવાર 1972માં યુકે આવ્યા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ રેડિંગમાંથી ફૂડ સાયન્સમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું હતું અને પછી મુંબઈની વિલ્સન કોલેજમાં હાજરી આપી હતી. શરૂમાં નરેશભાઇએ શ્વેપ્સ માટે કામ કરતા હતા પણ પત્ની વીણાબેનના સમર્થનથી 1982માં પોતાનો પીણાંનો બિઝનેસ શરૂ કર્યો હતો.

નરેશભાઇની ઉદ્યોગસાહસિક ભાવનાએ તેમને રૂબીકોન એક્ઝોટિક ડ્રિંક્સ અને શાના ફૂડ્સના સહ-સ્થાપક તરીકે એક્ઝોટીક ફૂડ અને બેવરેજીસ ઉદ્યોગમાં અગ્રણી બનવા તરફ દોર્યા હતા. નવીનતા અને બિઝનેસ પ્રત્યેના તેમના પ્રેમના પરિણામે તેઓ વિશ્વભરમાં ઘણા સફળ રોકાણો તરફ આગળ વધ્યા હતા અને વિશ્વભરમાં હજારો લોકો માટે નોકરીઓનું સર્જન કર્યું હતું.

તેઓ શ્રેષ્ઠ ફિલાન્થ્રોપીસ્ટ હતા અને સંસ્કૃતિ ફાઉન્ડેશન યુકેના સ્થાપક સભ્ય તરીકે ઘણા મહત્વપૂર્ણ કોમ્યુનિટી અને આધ્યાત્મિક પ્રોજેક્ટ્સને સમર્થન આપ્યું હતું. ગુરુ પૂજ્ય ભાઈશ્રીની સાથે તેમણે સાંદીપનિ વિદ્યાનિકેતન અને વિશ્વભરના બાળકો માટે ઘણા શૈક્ષણિક પ્રોજેક્ટ્સ અને શાળાઓને પ્રાયોજિત કર્યા હતા.

નરેશભાઇ યુવા ઉદ્યોગસાહસિકો સાથે તેમનો અનુભવ શેર કરવા, સ્થાપક તરીકેની તેમની સફરને માર્ગદર્શન આપવા અને તેમને સફળ થવામાં મદદ કરવા માટે પણ ઉત્સાહી હતા. સિમ્પલ લીવીંગ અને હાઇ થીંકીંગમાં માનતા નરેશભાઇ નમ્ર વ્યક્તિ હતા અને સંપૂર્ણ જીવન વિશ્વમાં વ્યાપેલા કુટુંબ, મિત્રો અને વ્યવસાયિક સહયોગીઓના શક્તિ અને સમર્થનના આધારસ્તંભ બની સૌ કોઇના જીવનને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમના શાંત અને પરોપકારી મદદરૂપ સ્વભાવ માટે હંમેશા યાદ કરવામાં આવશે.

સ્વ. નરેશભાઇના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના અને ભજનનું આયોજન રવિવાર, 3 ડિસેમ્બર, 2023ના રોજ સાંજે 7 થી 10 દરમિયાન હરિ કૃષ્ણ હોલ, શ્રી સ્વામિનારાયણ મંદિર, ધર્મ ભક્તિ મનોર, વુડ લેન, સ્ટેનમોર HA7 4LF ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં કાર્યક્રમના અડધો કલાક પહેલા પરિવારજનોને મળી શકાશે. સદગતનું ફ્યુનરલ – અંતિમ સંસ્કાર શનિવારે 9મી ડિસેમ્બર 2023ના રોજ સવારે 10:45 કલાકે મિલ્ટન ચેપલ, ચિલ્ટર્ન્સ ક્રિમેટોરિયમ, વ્હીલ્ડન લેન, એમરશામ, HP7 0ND ખાતે સંપન્ન થશે. લાઇવ વેબકાસ્ટ https://watch.obitus.com/tqq2dy પર જોઇ શકાશે. યુઝર નેમ – nibo3877 અને પાસવર્ડ – 288142 છે. સંપર્ક: [email protected]

 

LEAVE A REPLY