ન્યૂ જર્સીના કોન્ડોમિનિયમમાં સોમવારે નાના-નાની અને મામાની કથિત રીતે હત્યા કરવા બદલ મૂળ આણંદના 23 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરાઈ હતી અને તેના પર ત્રણ હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, એમ પોલીસ અને યુએસ મીડિયાના અહેવાલમાં જણાવાયું હતું.
સાઉથ પ્લેનફિલ્ડ પોલીસ ડિપાર્ટમેન્ટ અને મિડલસેક્સ કાઉન્ટી પ્રોસીક્યુટર ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓમ બ્રહ્મભટ્ટ સામે 72 વર્ષીય દિલીપકુમાર બ્રહ્મભટ્ટ, 72 વર્ષીય બિંદુ બ્રહ્મભટ્ટ અને 38 વર્ષીય યશકુમાર બ્રહ્મભટ્ટ ગોળી મારીને હત્યા કરવાનો આરોપ મૂકાયો છે.
મૃતક દિલીપભાઈ અને બિન્દુબેન આરોપી ઓમ બ્રહ્મભટ્ટના નાના-નાની હતા, જ્યારે મૃતક યશ બ્રહ્મભટ્ટ સંબંધમાં તેના મામા થતા હતા.
સાઉથ પ્લેનફિલ્ડમાં ન્યૂ દુરહામ રોડ પર કોપ્પોલા ડ્રાઈવ પરના ઘર પર આ ટ્રિપલ મર્ડરની ઘટના બની હતી. ટ્રેડિશન્સ કોન્ડો કોમ્પ્લેક્સમાં સોમવારે સવારે નવ વાગ્યે ફાયરિંગના અવાજ સાંભળ્યા પછી પડોશીએ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળ પર પોલીસ અધિકારીઓને બે પુરૂષ અને એક મહિલા એમ ગોળી વાગ્યાની હાલતમાં મળ્યાં હતા. પરિણીત દંપતી દિલીપકુમાર અને બિંદુ બ્રહ્મભટ્ટની બીજા માળના એપાર્ટમેન્ટમાં ગોળી મારીને હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યા હતા.તેમના પુત્ર યશકુમાર બ્રહ્મભટ્ટને પણ ગોળી વાગતા ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
ઓમ છેલ્લા કેટલાક મહિનામાં ન્યૂ જર્સી આવ્યો હતો અને તે કોન્ડોમાં રહેતો હતો. ઘટનામાં મોતને ભેટેલા દિલીપ બ્રહ્મભટ્ટ નિવૃત્ત પોલીસ અધિકારી હતા અને તેમણે બિલિમોરામાં સબ ઈન્સપેક્ટર તરીકે પણ ફરજ બજાવી હતી, નિવૃત્તિ બાદ તેઓ આણંદમાં સેટલ થયા હતા.
આ હત્યાકાંડના આરોપી ઓમ બ્રહ્મભટ્ટે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે જ તેમો પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. ઓમ બ્રહ્મભટ્ટની ઉંમર માત્ર ૨૩ વર્ષ છે, ત્રણ લોકોની હત્યા કર્યા બાદ તેણે ભાગવાનો પ્રયાસ પણ નહોતો કર્યો અને તે પોલીસની રાહ જોતો ઘરમાં જ બેસી રહ્યો હતો. એવું પણ જાણવા મળી રહ્યું છે કે મૃતકો સૂઈ રહ્યા હતા ત્યારે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બ્રહ્મભટ્ટ પરિવારના પાડોશમાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર, ઓમ થોડા દિવસો પહેલા જ તેમની સાથે રહેવા આવ્યો હતો, અને હાલ તે અમેરિકામાં જ ભણે છે. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઓમ બ્રહ્મભટ્ટે ગુનામાં વપરાયેલા હથિયારને ઓનલાઈન ખરીદ્યું હતું.