ડો. યુવા અય્‍યર : આયુર્વેદિક ફિઝિ‌શિયન 

જ્યારે પણ રોગની ટ્રીટમેન્ટ માટે વિચારવામાં આવે છે ત્યારે સારામાં સારી દવા, આધુનિક હોસ્પિટલ અને અનુભવી – સફળ ડોક્ટરને જરૂરી માનવામાં આવે છે. રોગને દૂર કરવાના કામને માટીનો ઘડો બનાવવાનાં કામ સાથે સરખાવતાં આચાર્ય ચરક કહે છે કે, માટી, ચાકડો અને દોરી હાજર હોવા છતાં પણ જો કુંભાર ન હોય તો ઘડો બનાવવાનું શક્ય ન બને. તેવી જ રીતે અન્ય ઉદાહરણોથી જણાવે છે કે, વાસણો, ઇંધણ અને અગ્નિ સાથે રસોઇ બનાવનારની હાજરી હોય તો જ ખોરાક તૈયાર થઇ શકે.

તેવી જ રીતે સેનાપતિના વિજયનો આધાર યુદ્ધભૂમિ, સેના અને અસ્ત્ર-શસ્ત્ર પર રહેલો છે. ચરક સંહિતામાં આવા સરળ ઉદાહરણથી થયેલો રોગ મટાડવા માટે શું જરૂરી છે? તે સમજાવ્યું છે. માત્ર દવા, માત્ર હોસ્પિટલ – ફેસિલિટી, અદ્યતન સાધનો, સારો નર્સીંગસ્ટાફ જ નહીં પરંતુ યોગ્ય અનુભવ અને ગુણવાન ડોક્ટર પણ જરૂરી છે. આટલું તો આપણે જાણીએ જ છીએ. ખરું ને? આ બધાની સાથે રોગી પણ યોગ્ય હોવાની જરૂરિયાત વિશે આયુર્વેદ જણાવે છે. આ બાબતનું વિગતવાર વર્ણન ‘ચતુસ્પાદ’ અંતર્ગત કરવામાં આવ્યું છે. ચિકિત્સા દ્વારા રોગને મટાડવા માટે જે મુખ્ય ચાર પાદ યોગ્ય હોવા જરૂરી દર્શાવાયા છે. તે –

1.ભિષગ્ (Phisician – ડોક્ટર),
2.દ્રવ્ય (દવા – Medical Facility,)
3. ઉપસ્થાતા (Nursing Staff) અને
4. રોગી (Patient). આમ રોગીનો રોગ મટાડવા માટેનું ચોથું પરિબળ જે યોગ્ય હોવું જરૂરી છે તે છે – રોગી સ્વયં!
રોગી સારવારમાં શી રીતે ભાગ લઈ શકે?
જે વ્યક્તિને રોગ થયો છે તેને આપણે રોગી કહીએ છીએ. આથી જ સામાન્ય રીતે વિચારતા એવો પ્રશ્ન થાય કે રોગ ભગાડવામાં રોગીની શું ભૂમિકા હોઇ શકે? આ બાબતને વધુ સ્પષ્ટ કરતાં આયુર્વેદના મહર્ષિઓ રોગીની યોગ્યતાના ગુણો જણાવતા કહે છે;
” સ્મૃતિનિર્દેશકારિત્વમ્ ભીરુત્વમથાપિ ચ.
જ્ઞાપકત્વં ચ રોગાણામાતુરસ્ય ગુણાઃ સ્મૃતાઃ .”

ચિકિત્સાની સફળતા માટે રોગીના મુખ્ય ચાર ગુણો જણાવ્યા છે.
1.સ્મૃતિસંપન્નતા(Memory)
2. નિર્દેશકારિત્વ (Obedience to instruction) .
3. અભિરૂત્વ (Courage in facing the disease)
4. જ્ઞાપકત્વ (Ability in describing the disease).

અહીં પેશન્ટની મેમરીને ટ્રીટમેન્ટ માટે મહત્વપૂર્ણ જણાવી છે. જેના વિશે વિચારીએ તો આપણને આ નજીવી લાગતી બાબત પરંતુ કેટલી મહત્વની છે તેનો ખ્યાલ આવશે. આપણામાંના મોટાં ભાગના લોકોને જ્યારે તબિયત બગડે અને ડોક્ટર પાસે જવાનું થાય ત્યારે રોગ મટાડવાની સંપૂર્ણ જવાબદારી આપણે ડોક્ટરની જ માનીએ છીએ.રોગ મટતાં વાર લાગે તો ડોક્ટરની જ ભૂલ અથવા દવા બરાબર નથી એવું જ વિચારીએ છીએ.

પરંતુ આપણને થયેલાં રોગ માટે આપણે કેટલા જવાબદાર છીએ? આવો વિચાર કરીએ છીએ ખરા? થયેલા રોગને મટાડવા માટે હું શું કરું જેથી દવાની યોગ્ય અસર થઇ શકે? આવું વિચારવાને બદલે આપણે દવાની પરીક્ષા લઇએ છીએ જેમ કે, દવા બરાબર કામ કરે છે કે નહીં? ટૂંકમાં આપણને થયેલા રોગને મટાડવાનો ભાર ઉપાડવામાં આપણે પાછા પડીએ છીએ. કેવી રીતે? એક-બે સાદા ઉદાહરણથી સમજીએ.

સિઝનલ ઇફેક્ટે કારણે કે પછી પોલ્યુશન જેવા કોઇ પણ કારણથી ટોન્સિલાઇટીસ કે લેરીન્જાઇટીસ થયું. ગળામાં દુઃખાવો થયો, તાવ આવ્યો જેવા સિમ્પ્ટમ્સ થયા. ડોક્ટરને બતાવ્યું. દવા લાવ્યા. ડોક્ટર જ્યારે તપાસી અને ગળામાં સોજો,ઈન્ફેકશન હોવાનું જણાવે છે, તે સાથે પ્રિસ્ક્રિપ્શન લખતાં નવશેકા ગરમ પાણીનાં કોગળાં અથવા માઉથ વોશથી ગાર્ગલ કરવા અને ગળું સાફ રાખવા જણાવતા હોય છે. ખરું ને? પરંતુ આપણી મેમરી ટેબ્લેટ્સ અને સિરપથી જ અટકી જતી હોય છે. નિયમિત અંતરે કોગળા કરવાનું કે, જમ્યા પછી કોગળા કરી ગળું સાફ કરવાનું ભૂલી જઇએ છીએ.

અથવા ટાળતાં હોઇએ છીએ. ગળામાં આવેલો સોજો અને ઇન્ફેકશન ટેબલેટથી દૂર થાય છે જ પરંતુ જો લોકલી ડિસઇન્ફેક્ટ કરતાં રહીએ, શેક કરીને ત્યાં બ્લડસર્કયુલેશન વધે તેવું કરીએ તો એન્ટીઇન્ફલેમેટરી દવાઓની અસરકારકતા વધે છે. રોગ જલ્દી મટે છે. આવું જ અન્ય રોગોમાં પણ છે. જેમ કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાર્ટડિસીઝ વગેરેની ટ્રીટમેન્ટ દરમિયાન ખોરાકમાં કાળજી અને સ્ટ્રેસમેનેજમેન્ટ માટે જો પેશન્ટ જવાબદારી ઉપાડી લે, યોગ્ય માહિતી મેળવે અને નિયમિત તેનો અમલ કરે તો જે રીતે દવાઓનો ડોઝ અમુક સમયે વધતો જ રહેતો જોવા મળે છે તે ટાળી શકાય. મને થયેલા રોગનાં કયા એવા કારણો છે જે હું દૂર કરી શકું તેમ છું? આટલું જાણવું અને તે યાદ રાખવું એવો દર્દીનો ગુણ ચિકિત્સાની સફળતામાં મદદરૂપ થાય છે. આવી જ રીતે ડોક્ટરે આપેલા નિર્દેશ – ઇન્સ્ટ્રકશનને સમજવી અને તેનો અમલ કરવો એ રોગીનાં ચિકિત્સાને સફળ બનાવે છે.

અનુભવસિદ્ધઃ
ક્યારેક ગજાઉપરાંતનાં કાર્યો, જાતને નુકસાન થાય તેવા સાહસો અને મનને ક્લેશ કરે તેવી બાબતોથી ડરવું પણ આરોગ્યવાન રહેવામાં મદદ કરે છે.

જ્ઞાપકત્વ
રોગીનું વૃત્તાંત હિસ્ટરી ટેકીંગમાં ડોક્ટર માટે ખૂબ
મહત્વપૂર્ણ હોય છે. પોતાને થયેલી તકલીફ વિશે યોગ્ય માહિતી આપવી, કશું છુપાવવું નહીં અને અમુક બાબતો જણાવવી જરૂરી છે કે નહીં તે જાતે નક્કી ન કરવું. પોતાના શરીરમાં થતાં લક્ષણો – તકલીફ બાબતે સ્પષ્ટપણે જણાવવાથી આપણી જ ટ્રીટમેન્ટ સારી રીતે શક્ય બને છે. આજકાલ ઇન્ટરનેટ વગેરે મીડિયામાંથી
મેળવેલી માહિતીનો આધાર લઇ જાતે કશું નક્કી કરી લેવું –
નિર્ણય લેવો યોગ્ય નથી. આમ સ્મૃતિ, નિર્દેશોનું યોગ્ય પાલન,
હિંમત અને પોતાની તકલીફની યોગ્ય રજૂઆત જેવા ગુણો ધરાવતાં હોય તેવા રોગીઓ પોતાને થયેલા નાના-મોટા કે અતિગંભીર રોગોની ચિકિત્સામાં પોતાનું યોગદાન આપી ચિકિત્સામાં મદદરૂપ થઇ શકે છે.

અભિરૂત્વ
નિર્ભયતાથી રોગનો સામનો કરી શકે તેવા રોગીઓનું મનોબળ અને સકારાત્મકતા રોગના બળને ઘટાડી દે છે. હૃદયરોગ, કેન્સર કે કોઇ પણ ગંભીર રોગોનો સામનો કરતા દર્દી ડરને બાજુએ મુકી સમજ અને શ્રદ્ધાથી રોગ મટાડવા પ્રયત્ન કરે છે ત્યારે , ગંભીર રોગોની ચિકિત્સા સરળ બને છે. આયુર્વેદ તો સ્પષ્ટપણે માને છે. ‘વિષાદો રોગવર્ધનાનામ્’ ખૂબ જ ટૂંકા સૂત્રથી આચાર્ય સુશ્રુત મનના ભાવને રોગની ગંભીરતા માટે જવાબદાર જણાવે છે. આથી જો આપણે રોગને મટાડવા માટે મને આ રોગ કેમ થયો? હવે શું થશે? જેવા ઉત્તર વગરનાં પ્રશ્નોનાં વમળમાં અટવાઇને મનને વિહ્વળ બનાવવાને બદલે ડોક્ટર સાથે રોગ થવાનાં કારણો અને ઉપાયોમાં તમે શું કરી શકો તેમ છો તે જાણી અને તે માટે પ્રયત્નશીલ રહો,તો રોગ દૂર કરવામાં શક્તિ વપરાય છે.

LEAVE A REPLY