મહાઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી કરોડો રૂપિયાની ભેટ-સોગાદ લેવાના મામલે ફસાયેલી યુવા અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે હવે પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.
સુકેશના કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા લાંબી પૂછપરછ બાદ જેકલીનને પણ આરોપી દર્શાવાઈ હતી અને તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાયો હતો. કોર્ટમાંથી જેકલીને વિદેશ જવાની મંજૂરી મેળવીને લાઈવ પરફોર્મન્સ અને શૂટિંગની શરૂઆત કરી હતી. હવે તે ફિલ્મો ઉપરાંત ઓટીટી-ડિજિટલ પ્લેટફોર્મ પર પદાર્પણ કરવા માટે તૈયાર છે.
કરીના કપૂર ખાન, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, તબુ જેવા અનેક ફિલ્મ સ્ટાર્સે આ પ્લેટફોર્મ પર સિરીઝ કે ફિલ્મના માધ્યમથી આગમન કર્યું છે. ઓટીટીની અસરકારતાને જોતાં જેકલીને પણ અન્ય અભિનેત્રીના પગલે ચાલવાનો નિર્ણય લીધો છે. રીપોર્ટ્સ મુજબ, જિયો સિનેમાની વેબ સિરીઝ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ (GOAT)માં જેકલીન જોવા મળશે. આ સિરીઝમાં તેની સાથે નીલ નીતિન મુકેશ પણ લીડ રોલમાં છે. સિરીઝ માટે ચાર મહિના દરમિયાન મુંબઈના અલગ-અલગ લોકેશન્સ પર શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મની સ્ટોરી કે જેકલીનના કેરેક્ટર અંગે ખાસ માહિતી બહાર આવી નથી.