સાઉથ ઇન્ડિયન ફિલ્મો અને બોલીવૂડ ફિલ્મોના પીઢ અભિનેતા રજનીકાતં હંમેશા ચર્ચામાં રહે છે. રજનીકાંત માટે રેકોર્ડ બનાવવા અને રેકોર્ડ તોડવાનું નવું નથી. રજનીકાંતને કારકિર્દી દરમિયાન ફિલ્મ બિઝનેસની પરંપરાગત માન્યતાઓ તોડવાની અને તમિલ સિનેમાનું સ્તર ઉંચે લઈ જવાની અનેક તક મળી છે.
વિજય થલપતિ સાથે લિયો બનાવનારા ડાયરેક્ટર લોકેશ કનગારાજ અત્યારે રજનીકાંત સાથે નવી ફિલ્મ બનાવી રહ્યા છે. રજનીકાંતને આ ફિલ્મ માટે મળેલી ફીમાં નવો રેકોર્ડ બન્યો છે. આ સાથે તેઓ એશિયામાં સૌથી વધુ ફી મેળવનારા અભિનેતા બન્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમામે, રજનીકાંતને લોકેશ સાથેની ફિલ્મ માટે રૂ.260-280 કરોડની ફી મળવાની છે. થોડા સમય અગાઉ રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ જેલર સુપર-ડુપર હિટ ગઇ હતી. આ ફિલ્મ માટે રજનીકાંતને રૂ. 200 કરોડ જેટલી ફી મળી હોવાનું કહેવાતું હતું. લોકેશે રજનીકાંત સાથે થલાઈવર 171ની તૈયારી શરૂ કરી છે. સન પિક્ચર્સના બેનર હેઠળ આ ફિલ્મ બનવાની છે અને તેના માટે રજનીકાંતને અધધધધ….કહી શકાય તેટલી ફી આપવાની ઓફર થઈ હોવાનું કહેવાય છે.
બોલીવૂડમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષયકુમાર અને અજય દેવગન જેવા અભિનેતાઓની ફી રૂ.100થી 125 કરોડની વચ્ચે રહેતી હોય છે. પ્રભાસ, અલ્લુ અર્જુન, મહેશ બાબુ કે જુનિયર એનટીઆર પણ 100 કરોડથી વધુની ફી વસૂલી શક્યા નથી. આ તમામ સ્ટાર્સ કરતાં વધારે ઉંમર હોવા રજનીકાંતને તેમના કરતાં ઘણી વધારે ફી મળી રહી છે. રજનીકાંત હાલ અમિતાભ બચ્ચન, રાના દુગ્ગુબાટી, ફહાદ ફાસિલ મંજુ વારિયાર સાથેની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રજનીકાંત અને અમિતાભ બચ્ચન ત્રણ દાયકા બાદ સાથે જોવા મળશે.