ગુજરાતમાં રવિવારે (27 નવેમ્બર) તોફાની પવન સાથે વ્યાપક કમોસમી વરસાદ પડયો હતો. આ માવઠા સાથે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછાં 27 લોકોનાં મોત નીપજ્યા હતા, તો માવઠાથી પાકને નુકસાન થયું હતું. અન્ય ઘટનાઓમાં વધુ બેના મોત સાથે માવઠાથી કુલ 29ના મોત થયા હતા. રાજકોટ સહિતના અનેક વિસ્તારોમાં ભારે કરા પડ્યાં હતા અને રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી, જેનાથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો.
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કુદરતી આફત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર રાહત કામગીરી કરી રહ્યું છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા મુજબ, રાજ્યના 251 તાલુકામાંથી 220 તાલુકામાં રવિવારે સવારે 6 વાગ્યાથી 10 કલાકમાં 50 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું અને પાકને ભારે નુકસાન થયું હતું. સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કરા પડયા હતા.
રાજકોટમાં વહેલી સવારથી ઠંઠા પવનો સાથે બરફવર્ષા થઈ હતી. લોકો બરફથી છવાયેલા માર્ગો ઉપર મોજમસ્તી કરતા જોવા મળ્યાં હતા. કુલ મૃત્યુમાંથી 27 વ્યક્તિના મોત વીજળી પડવાને કારણે થયા હતા, જ્યારે અન્ય બે મૃત્યુ દાહોદ જિલ્લામાં મકાન તૂટી જવાની ઘટનામાં થયા હતા, એમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના ડેટામાં જણાવાયું હતું.
એક જ દિવસમાં વીજળી પડવાથી થયેલા 27 મૃત્યુ સમગ્ર રાજ્યમાં આવા મૃત્યુની વાર્ષિક સરેરાશ સંખ્યાના અડધા કરતાં વધુ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) અનુસાર, 2017 થી 2021 સુધીમાં, ગુજરાતમાં વીજળી પડવાથી વાર્ષિક સરેરાશ 49 મૃત્યુ નોંધાયા છે.
વીજળી પડવાથી દાહોદમાં સૌથી વધુ ચાર, ત્યારબાદ બનાસકાંઠા અને ભરૂચમાં ત્રણ-ત્રણ અને તાપીમાં બે મૃત્યુ નોંધાયા હતા. અગિયાર જિલ્લામાં એક-એક મૃત્યુ નોંધાયા હતા. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અંભેટામાં બનેલી આવી જ ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.
વીજળીના કારણે ગાય, ભેંસ, ઊંટ અને બકરા સહિત 71 પ્રાણીઓના પણ મોત થયાં હતાં. બનાસકાંઠામાં આવા 19 મૃત્યુ નોંધાયા હતા, જ્યારે ખેડામાં આ આંકડો 15 હતો.
ડેટા અનુસાર, રાજ્યમાં રવિવારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે સરેરાશ 27મીમી વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના સાગબારામાં 144મીમી, સુરત શહેરમાં 128મીમી, સુરત નજીકના ઉમરપાડામાં 122મીમી, સુરત નજીકના માંડવીમાં 116 મીમી અને સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં 111મીમી વરસાદ નોંધાયો હતો. કુલ મળીને, 31 તાલુકાઓમાં 50 મીમી કે તેથી વધુ વરસાદ નોંધાયો હતો.