રાજસ્થાન વિધાનસભાની 25 નવેમ્બર, 2023ના રોજ યોજાયેલી ચૂંટણી દરમિયાન અજમેરમા મતદાન મથક પર મતદાન કરવા માટે મહિલાઓ કતારમાં રાહ જોઈ રહી છે. REUTERS/Stringer

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં શનિવાર, 25 નવેમ્બરે  હિંસાના છૂટાછવાયા બનાવો વચ્ચે 74 ટકા જેટલું બમ્પર વોટિંગ થયું હતું. રાજ્યની 200માંથી 199 બેઠકો પણ મતદાન યોજાયું હતું. 2018ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં 74.06 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીનું  રિઝલ્ટ ત્રણ ડિસેમ્બરે જાહેર થશે. ચૂંટણી પછી કોંગ્રેસ અને ભાજપ બંનેએ જીતના દાવા કર્યા હતા.

ચૂંટણીમાં સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. AIMIM અને AAP પણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનની પરંપરા છે. કોંગ્રેસ આ પરંપરા તોડીને સત્તા જાળવી રાખવા માગે છે, જ્યારે ભાજપ આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં વાપસીની નજરમાં છે.

કોંગ્રેસના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ, ભાજપના માજી મુખ્યપ્રધાન વસુંધરા રાજે તથા સાંસદો દિયા કુમારી, રાજ્યવર્ધન રાઠોડ, બાબા બાલકનાથ અને કિરોડી લાલ મીણા સહિત કુલ 1,862 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઇવીએમમાં સીલ થયું હતું.

ચૂંટણી દરમિયાન બે લોકોના હાર્ટએટેકથી મોત થયાં હતાં. રાજ્યભરમાં 1.70 લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા હતા. જોકે ડીગ જિલ્લાના કમાનના સાંવલેર ગામમાં પથ્થરમારામાં એક પોલીસકર્મી સહિત બે લોકો ઘાયલ થયા છે. પોલીસે ભીડને વિખેરવા માટે હવામાં 12 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને કારણે થોડી મિનિટો માટે મતદાન ખોરવાઈ ગયું હતું.

આ ઉપરાંત પથ્થરમારા પછી સીકરના ફતેહપુરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને આ હિંસામાં એક જવાન ઘાયલ થયો હતો. પોલીસે આશરે 5થી 7 લોકોને અટકાયતમાં લીધા હતાં. ધોલપુરની બારી સીટમાં મતદાન મથકની બહાર મતદાન એજન્ટ અને એક વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછીની હિંસામાં બે વાહનોને નુકસાન થયું હતું. થોડા સમય માટે મતદાન અટકાવવામાં આવ્યું હતું.

2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 100 અને ભાજપને 73 બેઠકો મળી હતી.

 

LEAVE A REPLY