અમેરિકામાં કેપિટોલ હિલ ખાતે ઇન્ડિયન અમેરિકન સમુદાય દ્વારા દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં અનેક સંસ્થાઓ પણ જોડાઇ હતી.

જેમાં BAPS, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF), એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન (AAHOA), શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર, ફેડરેશન ઓફ જૈન એસોસિએશન ઇન નોર્થ અમેરિકા (JAINA), અમેરિકન જ્યૂશ કમિટી (AJC), યુએસ ઇન્ડિયન કોમ્યુનિટી ફાઉન્ડેશન, યુએસ ઇન્ડિયા સિક્યુરિટી કાઉન્સિલ ઇન્ક. અને ઇન્ડિયન અમેરિકન રીલેશન્સ કાઉન્સિલના સભ્યો દિવાળીની ઉજવણી માટે કેપિટોલ હિલ ખાતે એકત્ર થયા હતા. ડિર્કસેન સેનેટ ઓફિસ બિલ્ડિંગ ખાતે આ ઉજવણીમાં અમેરિકાભરમાંથી સમુદાયના 300થી વધુ સભ્યો અને કોંગ્રેસના સભ્યો જોડાયા હતા.
કોંગ્રેસના ઇન્ડિયન અમેરિકન સભ્યોની સાથે અન્ય સેનેટર્સ અને યુએસ રીપ્રેઝન્ટેટિવ્સનો સમાવેશ થાય છે. જેમાં સીન્થિયા લુમ્મિસ, ડેબોરા રોસ, સ્કોટ પેરી, બ્રાડ શેરમેન, રો ખન્ના, મેટ્ટ કાર્ટરાઇટ, જિમ કોસ્ટા, નિરજ અંતાણી, અમેરિકન જ્યૂશ કમિટીના સભ્ય રોબર્ટ પેકર, ઇન્ડિયન એમ્બેસીના ઉચ્ચ અધિકારી જગમોહન વગેરે જોડાયા હતા.
ભારતમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી વ્યાપક રીતે કરવામાં આવે છે, વિશ્વભરમાં વસતા હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ સમુદાયો પણ આ તહેવારની ઉજવણી કરે છે.

આ ઉજવણીમાં ઉપસ્થિત રહેલા રાજકીય પ્રતિનિધિઓએ તેમના મત વિસ્તારમાં આ પર્વની ઉજવણીમાં વિવિધતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રો ખન્નાએ પણ દીપ પ્રાગટ્ય કરીને ઉજવણીમાં જોડાયા હતા. તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, “દિવાળીના સિદ્ધાંતો, અનિષ્ટો પર સારાનો વિજય, સચ્ચાઈનો વિજય, કર્તવ્ય પાલનના મહત્વ અંગે તમામ ધર્મના લોકો માટે સારી યાદ અપાવે છે.”
જ્યારે ઇન્ડિયન એમ્બેસીના જગમોહને જણાવ્યું હતું કે, “કેપિટોલ હિલ ખાતે આ તહેવારની ઉજવણી માત્ર વિવિધતા અને એકતાનો પુરાવો નથી.
આપણા સમુદાયોની અંદર પણ તે શક્તિ પ્રદર્શિત કરવાની તક છે. જેમાંથી વિવિધ સમુદાયોની સાંસ્કૃતિક જાળવણી અને સમજણ જોવા મળે છે.”
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુહાગ શુક્લએ જણાવ્યું હતું કે, “દિવાળી એક એવો સમય છે જેમાં
આપણા દરેકની અંદર રહેલી સારી બાબતોને પ્રતિબિંબિત કરવાની અને તેના પ્રકાશને ચમકાવવાની, આપણા નાના-મોટા ભેદભાવોને દૂર કરવાની, બીજાના દુઃખ દૂર કરવા અને તેમની સાથે કાર્ય કરવાની તક આપે છે.” રીપ્રેઝન્ટેટિવ જિમ કોસ્ટાએ પણ દિવાળીની ઉજવણી અંગે સંબોધન કર્યું હતું.
દેશના પાટનગરમાં દિવાળીની ઉજવણી કરવાની આ ઘટના એકતા દર્શાવવાની તક હતી. ઉપસ્થિત લોકોએ કેપિટોલ હિલના પ્રતિનિધિઓ સાથે અમૂલ્ય ચર્ચાઓ કરી હતી.

 

LEAVE A REPLY