(ANI Photo)

ભારતની જાણીતા ટેક્સટાઇલ ગ્રૂપ રેમન્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાએ તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવાની તાજેતરમાં જાહેરાત કરી હતી. મીડિયા રીપોર્ટ મુજબ આ છૂટાછેડા તેમને ભારે પડી જાય તેવી શક્યતા છે, કારણ કે નવાઝે તેમની 12 હજાર કરોડની સંપત્તિમાં 75 ટકા હિસ્સો માગ્યો છે. ગૌતમ સિંઘાનિયા આ માગણી સ્વીકારવા માટે તૈયાર છે. પરંતુ તેમણે શરત રાખી છે કે આ માટે એક ફેમિલી ટ્રસ્ટ બનાવવામાં આવે જેના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે એકમાત્ર તેઓ જ રહેશે. આનાથી બંને વચ્ચે કાનૂની જંગ થવાની શક્યતા છે.

માલિક પતિ પત્ની વચ્ચેના વિખવાદ રેમન્ડને પણ અસર થઈ રહી છે. 13 નવેમ્બરે ગૌતમ સિંઘાનિયાએ જાહેરાત કરી હતી કે તેમના 32 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. આ પછીથી રેમન્ડના શેરમાં ભારે ધોવાણ થયું હતું. 13 નવેમ્બરે શેરમાં 12 ટકા કડાકો બોલાયો હતો અને માર્કેટકેપમાં 180 બિલિયન ડોલરનું ધોવાણ થયું હતું.

ગૌતમ સિંઘાનિયાની ગણના દેશના ટોચના અબજોપતિઓમાં થાય છે. અગાઉ તેઓ પોતાના પિતા વિજયપત સિંઘાનિયા સાથે પણ સંબંધ બગાડી બેઠા હતા અને પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તે સમયે વિજયપત સિંઘાનિયાએ ફરિયાદ કરી હતી કે મેં મારા પુત્રને 12,000 કરોડ રૂપિયાની કંપની સોંપી. પરંતુ આજે મારી પાસે મકાન કે વાહન કંઈ નથી.

સિંઘાનિયાએ ખૈતાન એન્ડ કંપનીના સિનિયર પાર્ટનર હેઈગ્રેવ ખૈતાનને પોતાના કાનૂની સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે જ્યારે નવાઝ સિંઘાનિયાએ મુંબઈ સ્થિત લો ફર્મ રશ્મિકાંતની સર્વિસ લીધી છે. આ વિવાદમાં સર્વસહમતીથી સમાધાન થાય તે માટે શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપનીના અક્ષય ચુડાસમા પણ કામ કરી રહ્યા છે

ગૌતમ સિંઘાનિયાની સંપત્તિ આજે 1.40 અબજ ડોલરની હોવાનું માનવામાં આવે છે જેમાંથી નવાઝ મોદી સિંઘાનિયા 75 ટકા હિસ્સો માગે છે. ફેમિલી સેટલમેન્ટ પ્લાન પ્રમાણે તેમની બંને દીકરીઓ માતા પાસે રહેવાની છે. ગૌતમ સિંઘાનિયાએ તમામ સંપત્તિ માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવે અને તે ટ્રસ્ટમાં તેઓ એકમાત્ર મેનેજિંગ ટ્રસ્ટી બને તેવી દરખાસ્ત કરી છે પરંતુ નવાઝને આ શરત માન્ય નથી.

 

LEAVE A REPLY