લંડનના મેયર, સાદિક ખાને રવિવાર 12 નવેમ્બર 2023ના રોજ સ્થાનિક સમુદાયના હજારો લોકો સાથે આઇકોનિક નીસડન સ્વામિનારાયણ મંદિરમાં ‘પ્રકાશના પર્વ’ દિવાળીની ઉજવણી કરી હતી. મેયરની હાજરી લંડનની સાંસ્કૃતિક વિવિધતા અને સાંપ્રદાયિક સંવાદિતાના મહત્વને પ્રતિબિંબિત કરે છે.
સાદિક ખાને સાંજે આતશબાજીનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે ધાર્મિક વિધિઓ, સંગીતના સુમેળભર્યા નાદ અને ભવ્ય શાકાહારી વ્યંજનો માટે હજારો લોકો જોડાયા હતા.
ખાને કહ્યું હતું કે “મને આ મંદિરમાં આવવાની જે વસ્તુ ગમે છે તે લોકોની વિવિધતા છે. દિવાળીની ઉજવણી કરવા માટે દેશભરમાંથી અને સમગ્ર વિશ્વમાંથી લોકો અહીં આવે છે. નીસડન મંદિરના સ્વયંસેવકો માત્ર હિંદુઓની જ નહીં પરંતુ દરેક વ્યક્તિની સેવા કરે છે. યુવાનોએ રોગચાળા વખતે લોકોને, વૃદ્ધોને અને હવે ખર્ચના કારણે સંઘર્ષ કરી રહેલા લોકોને મદદ કરી તે સૌથી વધુ આનંદની વાત છે. મંદિર અને ફેલિક્સ પ્રોજેક્ટ વચ્ચેની ભાગીદારી જોઈને મને ખરેખર આનંદ થાય છે.”
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને તેમની પત્ની પણ દિવસની શરૂઆતમાં જ ઉજવણીમાં જોડાયા હતા અને મંદિરમાં તેમનું અંગત સન્માન કરાયું હતું.
તે સાંજે, મંદિરમાં બ્રિટિશ આર્મી, વેસ્ટર્ન ફ્રન્ટ એસોસિયેશન, રોયલ બ્રિટિશ લીજન, વેસ્ટર્ન ફ્રન્ટ એસોસિએશનના ઘણા સભ્યોએ હાજરી આપીને રિમેમ્બરન્સ સન્ડે એસેમ્બલીમાં સશસ્ત્ર દળોના નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી.