રાજા ચાર્લ્સ III એ નેશનલ હેલ્થ સર્વિસ (NHS) માં યોગદાન આપતી ભારતીય નર્સો, મિડવાઈવ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય ચિકિત્સકો માટે લંડનના બકિંગહામ પેલેસ ખાતે વિશેષ સત્કાર સમારંભનું આયોજન કરીને તેમનો 75મો જન્મદિવસ ઉજવ્યો હતો.
ભારતીયો હાલમાં NHSમાં કાર્યરત અંદાજિત 150,000 આંતરરાષ્ટ્રીય નર્સો અને મિડવાઇફનું નેતૃત્વ કરે છે. યોગાનુયોગ NHS પોતાના 75મી વર્ષગાંઠની પણ ઉજવણી કરી રહ્યું છે. ભારત, ફિલિપાઇન્સ, શ્રીલંકા, નેપાળ અને કેન્યા જેવા દેશોનું પ્રતિનિધિત્વ કરતી લગભગ 400 નર્સો અને મિડવાઇવ્સે યુકેના આરોગ્ય અને સામાજિક સંભાળ ક્ષેત્રમાં તેમના યોગદાનની ઉજવણીમાં હાજરી આપી હતી.
રાજાએ તેમના જન્મદિવસ દરમિયાન કામ કરવાનું પસંદ કર્યું હતું અને ઘણા મહેમાનો સાથે વાર્તાલાપ કર્યો હતો. NHS કોયર દ્વારા ‘હેપ્પી બર્થ ડે’ ગીત ગવાયું હતું.
નવ નિયુક્ત હેલ્થ સેક્રેટરી વિક્ટોરિયા એટકિન્સે જણાવ્યું હતું કે “NHSમાં કામ કરવા માટે ભારત સહિત વિશ્વભરમાંથી આવેલા અવિશ્વસનીય લોકોના અને આભારી છીએ. તેઓ અમારા માટે ઘણું બધું કરે છે. યુકે અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ નજીકના છે અને હું વડા પ્રધાનની પરવાનગી સાથે ભારતની મુલાકાત લેવા આતુર છું.”
રાજાને જન્મ દિને સમગ્ર લંડનમાં ગન સેલ્યુટ આપવામાં આવી હતી અને પિકાડિલી સ્ક્વેરને લાઇટથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો.