અમેરિકામાં શિયાળાનું આગમન થતાં જ હોસ્પિટલોમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જણાઈ રહ્યો છે. સીડીસીના આંકડા અનુસાર 11 નવેમ્બરે પૂર્ણ થયેલા સપ્તાહ સુધીમાં દેશમાં આ વધારો 8.6 ટકા નોંધાયો હતો અને હોસ્પિટલોમાં નવા 16, 239 દર્દીઓ દાખલ થયા હતા.

દેશના મધ્ય-પશ્ચિમ, સાઉથ આટલાન્ટિક અને દક્ષિણના પર્વતીય વિસ્તારોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધુ હતી. આરોગ્ય અધિકારીઓની અપેક્ષા મુજબ આ વધારો નોંધાયો હતો અને વાઇરસના ફેલાવા માટે ઠંડીનું વાતાવરણ જવાબદાર મનાય છે.

ઠંડા વાતાવરણના કારણે વાઇરસ તથા અન્ય ઇન્ફેશન્સનો વધારે ફેલાવો થયો હતો. 2020ના એક અભ્યાસમાં સૂચવ્યા મુજબ, કોવિડ વાઇરસ ઠંડા અને સૂકા વાતાવરણમાં લાંબા સમય સુધી ફેલાય છે.

હોસ્પિટલોમાં જુન મહિનાથી દર્દીઓની સંખ્યામાં સ્થિર વધારો જોવા મળ્યો હતો અને તે સપ્ટેમ્બરની શરૂઆતમાં ઉચ્ચ સ્તરે હતો. જો કે, ઓક્ટોબર અને નવેમ્બરમાં 15 હજાર દર્દીઓ સાથે તેમાં સ્થિરતા જણાઇ હતી. પરંતુ આ આંકડો જાન્યુઆરી 2021ના 150, 600ના આંકડા કરતા ઘણો નીચો હતો. જોકે, નવા આંકડાઓએ અનેક રાજ્યોમાં ચિંતા વધારી હતી.

વર્મોન્ટમાં સૌથી વધારે 70 ટકા ઉછાળો જોવા મળ્યો હતો અને ત્યારપછી આયોવા અને અલાસ્કામાં 60 ટકા દર્દીઓમાં કોરોના હોવાનું જણાયું હતું. મોન્ટાના, મિનેસોટા અને હવાઇમાં 30 ટકાથી વધુ દર્દીઓ નોંધાયા હતા. વર્જિનિયા, ટેનેસી, વિસ્કોન્સિન, નેબ્રાસ્કા, નોર્થ ડાકોટા, ન્યૂ મેક્સિકો, એરિઝોના અને વોશિંગ્ટન ડીસીમાં 20 ટકાથી વધુ કેસ નોંધાયા હતા.

રીપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે, કેટલાક રાજ્યોમાં આ વધારાની તીવ્રતા આશ્ચર્યજનક હોઈ શકે છે અને તેનું કારણ એ છે કે, તેમને ત્યાં હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. ઉદાહરણ તરીકે, વર્મોન્ટમાં દર્દીઓમાં 70 ટકાના વધારા સાથે, એક સપ્તાહમાં ફક્ત 43 લોકો જ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

ફ્લોરિડા અને મેસેચ્યુસેટ્સમાં દર્દીઓની સંખ્યામાં 10થી 20 ટકાનો મધ્યમ ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે રોડ આઇલેન્ડ અને ન્યૂ જર્સીમાં અનુક્રમે 33.3 ટકા અને 34.2 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય કક્ષાએ, ઇન્ટેસિવ કેર યુનિટ્સમાં કોવિડ-19 દર્દીઓમાં 1.8 ટકાનો વધારો થયો હતો, જે વધુ ગંભીર કેસોમાં હવાની મુક્ત અવર-જવરની જરૂરિયાત દર્શાવે છે. ઉનાળા દરમિયાન સ્થાનિક સ્તરે આ વધારો જોવા મળતા સંસ્થાઓને માસ્ક પહેરવાનો ફરીથી આદેશ આપવા પ્રોત્સાહિત થઇ હતી.

LEAVE A REPLY