ચાર વર્ષના વ્યસ્ત કાર્યકાળ દરમિયાન ભારત સાથે સંલગ્ન સેંકડો સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંકલન કરનાર બેસ્ટ સેલિંગ લેખક અમીષ ત્રિપાઠીએ લંડનમાં આવેલા ભારતના હાઈ કમિશનની સાંસ્કૃતિક વિંગ નેહરૂ સેન્ટરના ડાયરેક્ટર અને મિનિસ્ટર ઓફ કલ્ચર અને એજ્યુકેશન તરીકે વિદાય લીધી હતી.
49-વર્ષીય ડીપ્લોમેટે COVID લોકડાઉનના સમયગાળા દરમિયાન નેહરુ સેન્ટરની દેખરેખ રાખવા ઉપરાંત ભારતીય મિશનની સાંસ્કૃતિક પાંખની પહોંચને વધુ યુકે-વ્યાપી અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો સુધી વિસ્તારી હતી.
તેઓ બ્રિટિશ નાગરિક પત્ની શિવાની સાથે વતન મુંબઈ પાછા ફર્યા છે. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “નેહરુ સેન્ટર એક વિશાળ સંપત્તિ છે જેની પાસે જબરદસ્ત વારસો છે, અને મને ખૂબ ગર્વ છે કે મને આ મહાન સંસ્થામાં મારું પોતાનું નાનું યોગદાન ઉમેરવાની તક મળી. આપણી પાસે યુકેમાં ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનક છે અને ભારતીય મૂળના અને યુએસમાં ખૂબ જ વિશ્વસનીય રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામી પણ છે. મને લાગે છે કે આ બધા સાથે, ભારતનો સાંસ્કૃતિક પ્રભાવ પણ વધશે.”
આ પદ પર મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી અને લેખક-ફિલ્મ નિર્માતા ગિરીશ કર્નાડ રહી ચૂક્યા છે.
તેમના દ્વારા નિર્મીત ‘રિટર્ન ઓફ અ સ્પેન્ડિડ સન’ નામની દસ્તાવેજી ફિલ્મ પૂર્ણતાને આરે છે જે રામજન્મભૂમિ મંદિરના નિર્માણની વાર્તા કહે છે. આ ફિલ્મને અયોધ્યામાં જાન્યુઆરી 2024માં રામ મંદિરના ઉદ્ઘાટન સમયે રિલીઝ કરવામાં આવનાર છે.