ન્યૂયોર્કમાં સોમવાર, 20 નવેમ્બરે યોજાયેલા 51મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સમારંભમાં બોલિવૂડ નિર્માતા એકતા કપૂરનું ડિરેક્ટોરેટ એવોર્ડથી સન્માન કરાયું હતું. આની સાથે એક્તા કપૂર ઇન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની હતી.
આ ઉપરાંત ડેરી ગર્લ્સ સીઝન 3 સાથે વીર દાસને કોમેડી માટે ઇન્ટરનેશનલ એમીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય એમી માટે વીર દાસનું આ બીજું નોમિનેશન હતું. કોમેડિયન અને અભિનેતાએ તેમની નેટફ્લિક્સ કોમેડી સ્પેશિયલ, વીર દાસ: લેન્ડિંગ માટે એવોર્ડ જીત્યો હતો. આનાથી તેઓ આ સન્માન હાંસલ કરનાર પ્રથમ ભારતીય હાસ્ય કલાકાર બન્યાં હતાં.
આ એવોર્ડ સમારોહમાં આર્ટ અને એન્ટરટેનમેંટ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સને 14 જુદી-જુદી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં ઓટીટીની દુનિયા પર પોતાના કન્ટેન્ટ દ્વારા રાજ કરનાર ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો.
એમી એવોર્ડ જીત્યા બાદ ભાવાત્મક પ્રવચનમાં એક્તા કપૂરે જણાવ્યું હતું કે 18 વર્ષની ઉંમરે અમે બંને અમારી આઇડેન્ટી શોધવા નીકળ્યાં હતાં. મને હજુ પણ યાદ છે જ્યારે અમે લોકોને કહ્યું કે, અમે પ્રોડ્યુસર બનવા માંગીએ છીએ. ત્યારે લોકોને આશ્ચર્ય થયું કારણ કે, તે જમાનામાં પ્રોડ્યુસર એટલે માત્ર પુરુષ સાથે જોડાયેલ હતું. હું મારા પિતા અને ભાઈનો આભાર માનું છું, જેઓ મુશ્કેલ સમયમાં મારી પડખે ઉભા રહ્યાં હતાં.